તળાજાના મોટાઘાણા ગામે જમીન વિવાદમાં બે પરિવાર વચ્ચે મારામારી
ત્રણ મહિલા સહિત સાત લોકો ઘાયલ થતા સારવારમાં ખસેડાયા
ભાવનગર જિલ્લાના તળાજાના મોટાઘાણા ગામે ખેતીની જમીન ધરાવતા અને હાલ સુરત મુંબઈ સ્થાઈ થયેલા બે પરિવારના સભ્યો વચ્ચે ખેતીની જમીન મામલે તીક્ષ્ણ અને બોથડ હથિયારો ધારણ કરી ધીંગાણું ખેલ્યું હતું. જેમાં બંને પક્ષે મળીને ત્રણ મહિલા ચાર પુરુષ મળી સાત વ્યક્તિ ઘાયલ થયા હતા. એકપક્ષના ચારેય ઇજાગ્રસ્ત ને વધુ ઇજાઓ હોય તળાજાથી ભાવનગર રીફર કર્યા હતા.
મારામારીના બનાવ અંગે તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવેલ ઇજાગ્રસ્ત પાસેથી મળતી વિગતો મુજબ અહીં પૈતૃક ખેતીની જમીન ધરાવતા બે પરિવાર વચ્ચે જમીનને લઈ સંઘર્ષ ચાલતો હતો.બંને પરિવારના સભ્યો મુંબઈ અને સુરત ધંધાર્થે સ્થાઈ થયા હતા.પરંતુ જમીનનો વિવાદ ચાલતો હોય ગઈકાલે વતન મોટાઘાણા આવ્યા હતા.
બંનેનો સામસામે આક્ષેપ છેકે અમો વાડીએ કામ કરતા હતા ને અમારી ઉપર તીક્ષ્ણ અને બોથડ ધારીયા, કુહાડા જેવા હથિયાર સાથે હુમલો કર્યો હતો. જેમાં એક પક્ષે અનિલ પરષોત્તમભાઈ પોરિયા, હરેશ પરષોત્તમભાઈ પોરિયા અને હર્ષાબેન અનિલભાઈ પોરિયા ને ઇજા થવા પામી હતી.
સામા પક્ષે સુરતના કામરેજ ખાતે રહેતા હર્ષાબેન હરેશભાઇ ચોટલીયા, રસિલાબેન બુધેશભાઈ ચોટલીયા,ઇશ્વર ગોવિંદભાઈ ચોટલિયા, હરેશ ગોવિંદભાઈ ચોટલીયા ને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે સામાપક્ષ કરતા વધુ ઇજાઓ હોય ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા.