મુન્દ્રાની યુનિક કંપનીના ગોડાઉનમાં વિકરાળ આગ
ઔદ્યોગિક નગરી મુન્દ્રામાં આજે વધુ એક વિકરાળ આગની ઘટના સર્જાઈ છે. નગરના બંદર રોડ પર આવેલા વર્ધમાન કાંટા નજીક યુનિક સ્પેડીટોરર પ્રા.લી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફેલાઈ છે. મધરાતે ત્રણ વાગ્યા આજુબાજુ લાગેલી આગ હજી પણ કાબૂમાં આવી નથી.
મળતી માહિતી મુજબ મુન્દ્રાની જીઆઇડીસીમાં કસ્ટમ એજન્ટ હાઉસ સંકુલમાં કાર્ગો પરિવહન અંતર્ગત માલ સામગ્રીનું કસ્ટમ ક્લિયરિંગનું કામ કરતી યુનિક સ્પેડીટોરર પ્રા.લી.ના ગોડાઉનમાં આગ લાગી છે. ગોડાઉનમાં રાખેલા ટાયર-રબ્બરના ભંગારના જથ્થામાં ગરમીના કારણે આગ લાગી હોવાનું તારણ સામે આવ્યું છે. મધરાતે ત્રણ વાગ્યા આજુબાજુ લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર વિભાગ ભારે જહેમત કરી રહ્યું છે. જોકે છેલ્લા નવ કલાકથી આગ કાબૂમાં આવી નથી.
હાલ અદાણી ફાયર વિભાગના બે ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આગના કારણે યુનિક સ્પેડીટોરર પ્રા.લી કંપનીની બે ઓફિસ તથા ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે. તો લાખો રૂપિયાની કિંમતનો જથ્થો સળગી જવા પામ્યો છે.આ વિશે મુન્દ્રાના બંદર રોડ પર આવેલી યુનિક સ્પેડીટોરર પ્રા.લીના (ઞઈક)ના કર્મચારી પ્રવીણ સૌંદરાએ જણાવ્યું હતું કે, મધરાતે ત્રણ વાગ્યાના અરસામાં ઓફિસ સંકુલ પાછળ રાખવામાં આવેલા ટાયરના ભંગારના જથ્થાએ ભારે દબાણના કારણે ગરમી પકડી લેતા તેમાં આગ લાગી ઊઠી હતી અને જોતજોતામાં વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું.આ બનાવના પગલે અદાણી ફાયર ફાઇટરની બે ગાડી તુરંત બોલાવી લેવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા રાતથી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ બપોરના 12 વાગ્યા સુધી આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. લાખો રૂૂપિયાની નુકસાની થવાનો અંદાજ છે.