પી.ટી.જાડેજા સામે પાસાનો હુકમ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન
ક્ષત્રિય સમાજની ચીમકી, રાજકીય કિન્નાખોરીથી જાડેજા સામે કાર્યવાહી થઇ રહ્યાનો આરોપ, કાયદાકીય લડત પણ શરૂ કરાશે
રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ મામલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોડી રાતે તાલુકા પોલીસ મથકે ક્ષત્રિય સમાજના ટોળા ઉમટી પડ્યા હતા. લોકસભા ચૂંટણી દરમિયાન ક્ષત્રિય આંદોલનને મજબૂતી આપનાર પી.ટી. જાડેજાને સામે તાલુકા પોલીસ મથકમાં બે દિવસ પહેલા અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી ન કરવા ધમકી આપવાના મામલે ગુનો નોંધાયા બાદ તેમની અટકાત કરી હતી બાદમાં ગઈ કાલે મોડી રાતે અચાનક પાસા હેઠળ અટકાયત કરી ચુસ્ત બંદોબસ્ત હેઠળ સાબરમતી જેલ હવાલે કર્યા હતા. આ ઘટનાને પગલે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઘેર પ્રતાધાત પડ્યા છે.
ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સમાજના આગેવાનો અને કાર્યકરોએ બહુમાળી ભવન ચોકથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી. રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પી.ટી. જાડેજાની ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
આ ઘટનાથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જો પાસાનો હુકમ રિવોક કરવામાં નહી આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારમાં આવી છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ રાજકીય કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી જણાવ્યું કહ્યું હતું કે પી.ટી.જાડેજા ક્ષત્રિય આંદોલન સમયે અગ્રેસર હતા. નાના કેસમાં પી.ટી.જાડેજા સામે કાર્યવાહી કરાઈ છે. પી.ટી જાડેજા સામેની કાર્યવાહીને લઇને ક્ષત્રિય સમાજ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.
આ મામલે આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજની બેઠક મળશે. પી.ટી.જાડેજા સામેની કાર્યવાહીના સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પોલીસની આ કાર્યવાહીને ક્ષત્રિય આગેવાનોએ વખોડી હતી. સૌરાષ્ટ્રના આગેવાનો બહુમાળી ચોક ખાતે એકઠા થયા હતા. ક્ષત્રિય સમાજની અલગ અલગ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ કહ્યું હતુ કે પી.ટી.જાડેજા સામે ષડયંત્રથી કાર્યવાહી કરવામાં આવી છે. સરકાર તાત્કાલિક અસરથી નિર્ણય બદલે તેવી માંગ કરાઇ છે. ક્ષત્રિય સમાજે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. જો પાસાનો હુકમ રિવોક કરવામાં નહી આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારમાં આવી હતી. પી.ટી. જાડેજા સામેની કાર્યવાહી યોગ્ય નથી.
બદલાની ભાવનાથી પી.ટી.જાડેજા સામે કાર્યવાહી કરાઇ છે. આ પ્રકારની કાર્યવાહી સહન થશે નહીં. સમાજના લોકોને ઉશ્કેરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય બાબતમાં મોટી કલમનો ઉમેરો કરાયો છે. રાજકીય કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવી છે. જો પાસાનો હુકમ રિવોક કરવામાં નહી આવે તો હાઇકોર્ટમાં રીટ પીટીશન પણ દાખલ કરવામાં આવશે. આ મામલે ક્ષત્રિય સમાજના અગ્રણી ડો. જયેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે સામાન્ય કેસમાં પી.ટી.જાડેજા સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગંભીર ગુનો ન હોવા છતાં પી.ટી.જાડેજા સામે કાર્યવાહી કરાઇ છે.
ગત તા 27/6 ના રોજ પી.ટી.જાડેજાએ તાલુકા પોલીસ મથકમાં મંદિરના વિવાદ મામલે પુરાવા સાથે લેખિતમાં ફરિયાદ કરી હતી. જે અંગે સામેવાળા સામે પોલીસે કોઈ ગુનો નોંધ્યો ન હોય જયારે આ મામલે બે માસ પૂર્વે તપાસ પૂર્ણ કરી હોય બાદમાં પી.ટી.જાડેજા સામેની અરજી બાદ વળતી ફરિયાદ નોંધી પોલીસે આ મામલે સીધો ગુન્હો દાખલ કરી દઈ બાદમાં પાસા હઠળ કાર્યવાહી કરી હોય જેને લઇ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શાસકપક્ષના આદેશથી ક્ષત્રિય સમાજના અગ્રણીને ટાર્ગેટ બનાવાયા: ગિરાસદાર સેના
ક્ષત્રિય ગિરાસદાર સેના ના ગજેન્દ્રસિંહ ઝાલા (ખેરવા), એડવોકેટ ઈન્દુભા રાઓલ (લાખણકા), હરપાલસિંહ જાડેજા (રાજપરાગઢ), વીરભદ્રસિંહ જાડેજા (ખોખરી ઘનશ્યામપુર), રામદેવસિંહ જાડેજા (મૂંગા વાવડી) ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટમાં સમાજસેવક અને ક્ષત્રિય સમાજના અગ્રણી પ્રવિણસિંહ ટપુભા જાડેજા (પી ટી જાડેજા) પાસા તળે થયેલી અટકાયત ને વખોડીએ છીએ અને સરકારે આ નિર્ણયમાં કાચું કાપ્યું હોય એવું લાગે છે કારણ કે રાજકોટ શહેરમાં ગંભીર ગુનાઓ આચરેલા બે થી વધુ અથવા બે ગુનાઓ એક વર્ષમાં થયા હોય તેવા અનેક લુખ્ખાઓ શહેરમાં પોલીસની નજર સામે ફરતા જોવા મળે છે. શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ ક્ષત્રિય સમાજના અગ્રણીને ટાર્ગેટ બનાવાયા છે. કારણકે સરકારની સામે કોઈ અવાજ ઉઠાવે અથવા આંદોલન કરે તો તે આંદોલનને સામ, દામ, દંડની નીતિથી કચડી નાખવાનું અને આંદોલનકર્તા કાર્યકરો સામે આકરા પગલાં લેવા સરકારની આ નીતિ રીતિ લોકશાહીને ગળે ટૂંકો દેવા સમાન છે. લોકશાહીના બંધારણમાં દરેક નાગરિકને સરકારની સામે અવાજ ઉઠાવવાનો અધિકાર છે પરંતુ આ અધિકારને છીનવી લેવાનો જે રીતે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એની અમે આલોચના કરીએ છીએ. સરકાર સામે ક્ષત્રિય સમાજે જે આંદોલન કર્યું તેમાં ભૂમિકા પીટી જાડેજા ભજવી હોવાને કારણે આંખના કણાની જેમ ખટકતા હોય ત્યારે જે રીતે આતંકવાદી ને પકડવા જાય તે પ્રકારે પોલીસના ધાડે ધાડા ઉતારી દઈ સરકાર દ્વારા ભયનો માહોલ ઊભો કરાયો હતો. રાજકીય ગુંડાઓ ધારાસભા અને સંસદમાં પણ બેસી રહ્યા છે ત્યારે પી ટી જાડેજા મામલે સરકાર તાત્કાલિક બેઠક બોલાવી યોગ્ય નિર્ણય કરે.