મેરેજ સર્ટિ. માટે પતિ-પત્નીએ અધિકારી સમક્ષ હાજર રહેવાનો ફતવો
વીડિયો કોલિંગ દ્વારા પત્નીની હયાતી હોવાનો નિયમ અચાનક રદ કરી દેવાયો
મનપાના મેરેજ સર્ટી વિભાગમાં ફરી વખત જૂના નિયમોની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેના લીધે હવેથી મેરેજ સર્ટી માટે પતિ-પત્ની બન્નેએ અધિકારી સમક્ષ હાજર રહેવું પડશે. આજ સુધી મેરેજ સર્ટી માટે આવતા યુગલ પૈકી પતિ દ્વારા ઈન્ટરવ્યુ આપતી વખતે વીડિયોકોલ મારફતે અધિકારી દ્વારા તેમની પત્નીનો ઈન્ટરવ્યુ લઈ ખરાઈ કરવામાં આવતી હતી. પરંતુ આ પ્રણાલીમાં અનેક વિસંગતતાઓ સર્જાતા હવે લગ્ન નોંધણી વિભાગ દ્વારા નવો નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે મુજબ ઈન્ટરવ્યુ વખતે પતિ-પત્ની બન્નેએ અધિકારી સમક્ષ હાજર રહેવું પડશે. જેના લીધે આગામી દિવસોમાં ફરી વખત લગ્ન નોંધણી વિભાગોમાં યુગલોની લાઈનો લાગશે. તેવુ લાગી રહ્યું છે.
મનપાના મેરેજ રજીસ્ટ્રાર વિભાગમાં મેરેજ સર્ટી માટે આવતા મોટા ભાગના યુગલો પારંપારીક રીતે લગ્ન કર્યા બાદ સર્ટી કઢાવા માટે આવતા હોય છે.
નિયમ મુજબ યુગલો દ્વારા લગ્નનું સ્થળ તેમજ બન્નેના માતા-પિતાની સંમતિ સહિતના ડોક્યુમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. રજીસ્ટાર ઓફિસમાં આવતા યુગલોએ ક્યા સ્થળે લગ્ન કર્યા તે દર્શાવવુ ફરજિયાત છે. પરંતુ પ્રેમ લગ્ન કરનાર એટલે કે ઘરેથી ભાગીને મંદિરમાં અથવા અન્ય કોઈ સ્થળે લગ્ન કરી લીધા હોય અને ત્યાર બાદ મેરેજ સર્ટીની જરૂરિયાત ઉભી થાય ત્યારે આ પ્રકારના યુગલો દ્વારા મનપાના મેરેજ રજીસ્ટાર વિભાગમાં અરજી કરવામાં આવતી હોય છે. જેના લીધે ડોક્યુમેન્ટ ચકાસણી દરમિયાન પ્રથમ પતિ અને પત્નીની ઉંમર ચેક કરવામાં આવે છે. જેમાં ઉમર ઓછી હોય ત્યારે અરજી નામમંજુર કરાતીહોય છે. જેની સામે હિન્દુ રિતરિવાજ મુજબ કાયદેસર લગ્ન થયા હોય તેમજ ચર્ચ અથવા નિકાહ થયેલા હોય તે તમામના પુરાવાઓ માન્ય રાખવામાં આવે છે અને પતિપત્ની પૈકી ઈન્ટરવ્યુ વખતે ફક્ત પતિએ હાજર રહી વિડીયો કોલીંગ મારફત પત્નીની હયાતીની ખરાઈ કરવાની હોય છે. આ નિયમનો ગેરલાભ લેવાનું શરૂ થતાં મનપાએ હવે જૂના નિયમ મુજબ પતિ-પત્ની બન્નેને હાજર રહેવાની સુચના આપી છે.
આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ લગ્ન નોંધણી સર્ટી માટે પતિ-પત્ની બન્ને ભારતમાં રહેતા હોવા જોઈએ તેવો નિયમ અમલમાં છે. પરંતુ વીડિયો કોલીંગ સિસ્ટમના કિસ્સામાં પત્ની વિદેશમાં હોય છતાં વીડિયોકોલ મારફથે ભારતના કોઈપણ શહેરમાં દર્શાવી લગ્ન નોંધણી કરવામાં આવતી હતી જે પ્રકરણ બહાર આવતા હવે પતિ-પત્ની બન્નેને હાજર રહેવા માટેની સુચના અપાઈ છે. જેની અમલવારી આજથી શરૂ કરવામાં આવી છે.
ગ્રામ પંચાયતોમાં લોલંલોલ
મહાનગરપાલિકાઓના લગ્ન નોંધણી વિભાગમાં ડોક્યુમેન્ટની ખરાઈ કરવામાં આવતી હોવાથી તેમજ દરેક મહાનગરપાલિકાએ લગ્ન નોંધણી માટે પોતાનો સોફ્ટવેર તૈયાર કરેલ હોય મોટાભાગના કિસ્સાઓમાં ખોટુ થતું નથી. જેના લીધે અનેક યુગલો કે જેમની પાસે પુરતા ડોક્યુમેન્ટ ન હોય તેવો ગ્રામ પંચાયતોમાંથી મેરેજ સર્ટી મેળવતા હોવાનું બહાર આવ્યું છે. ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી અથવા અન્ય અધિકારીઓ પાસેથી મેરેજ સર્ટી મેળવવા માટે નિવેધ ધરાતો હોવાનું પણ ખુલ્યું છે. જેના લીધે મહાનગરપાલિકામાં ન થતી મેરેજ સર્ટીની કામગીરી હવે ગ્રામ પંચાયતોના લોલંમલોલ વહીવટના લીધે થતી હોય અનેક યુગલો તેનો ગેરલાભ લઈ રહ્યાનું જાણવા મળેલ છે.