મોરબીમાં બે રિક્ષા અથડાતા પિતાનો હાથ કપાઇને ધડથી અલગ, પુત્રની હાલત ગંભીર
મોરબીના સામાંકાંઠે આવેલી કુબેર ચોકડીથી ત્રાજપર ચોકડી જવાના રસ્તે બે રીક્ષાઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એટલો ગંભીર હતો કે, રીક્ષામાં બેઠેલા એક યુવાનનો હાથ કપાઈને શરીરથી આખો અલગ જ થઈ ગયો હતો. એટલું જ નહીં તેના પુત્રને પણ ગંભીર ઇજા થઇ હતી.આથી તાબડતોબ પિતા પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવારની જરૂૂર જણાતાં તેને મોરબી બાદ રાજકોટ રીફર કરાયા છે.ઘટનાની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. મોરબીમાં સાંકડા રોડ, આડેધડ દબાણ અને ટ્રાફિકની સમસ્યા કઇ હદે વકરી છે તેનો વધુ એક પુરાવો આ દુર્ઘટના સ્વરૂૂપે મળ્યો છે.
મોરબીની કુબેર ચોકડીથી ત્રાજપર ચોકડી જવાના રસ્તે શ્રીનાથ કોમ્પ્લેક્ષ પાસે આજે સવારે પસાર થઈ રહેલી બે રીક્ષા વચ્ચે અચાનક જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, રીક્ષામાં મુસાફર તરીકે બેઠેલા પિન્ટુભાઈ જયભાઈ ગુપ્તા ઉ.વ.40નો હાથ કપાઈને ધડથી આખો અલગ જ થઈ ગયો હતો. જેના પગલે તેમના પર આફતનો ડુંગર તૂટી પડ્યો છે. એટલું જ નહીં આ ગમખ્વાર અકસ્માતમાં તેમના પુત્ર આયુષ ગુપ્તાને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેને પ્રથમ મોરબી સિવિલમાં ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇ આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં વાંક કોનો હતો તે સહિતની તપાસ પોલીસ ચલાવી રહી છે.