ઉદ્યોગનગરનાં મકાનમાં તસ્કરો ત્રાટકયા, દાગીના-રોકડ સહિત દોઢ લાખની ચોરી
મીરા ઉદ્યોગનગરમાં રહેતા અને શાકભાજીની લારી કાઢી પરિવારનું ગુજરાત ચલાવનાર પરિવારના બંધ મકાનને ધોળા દિવસે તસ્કરોએ નીશાન બનાવી અહીંથી રૂૂપિયા દોઢ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. યુવાન તથા તેના ભાઈ શાકભાજીની ફેરી કરવા ગયા હતા તેમજ તેના માતા-પિતા હોસ્પિટલમાં હોય દરમિયાન ચોરીનો આ બનાવ બન્યો હતો. જે અંગે યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તકરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, મીરા ઉદ્યોગનગર શેરી નંબર પાંચ મેલડી માતાના મંદિર પાસે નદી કાંઠે રહેતા લલિત હરેશભાઈ મકવાણા (ઉ.વ. 26) દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તારીખ 20/8 ના બુધવારના તે તેની પત્ની પૂજા તેનો ભાઈ વિશાલ, પરેશ શાકભાજીના વેપાર માટે હુડકો શાક માર્કેટ ખાતે સવારના 9 :00 વાગ્યા આસપાસ ગયા હતા. યુવાનની માતા ગીતાબેનને પાંચ મહિના પૂર્વે દશામાના વ્રત સમયે જમણી આંખમાં ફંગલ થઈ હોય જેથી તેઓ હોસ્પિટલમાં હતા અને તેના પિતા હરેશભાઈ અહીં તેમની દેખરેખમાં હતા.
ઘરને તાળા મારી યુવાન તથા તેના ભાઈઓ શાકભાજીની ફેરી કરવા માટે ગયા હતા. રાત્રિના નવ વાગ્યા આસપાસ ઘરે પરત આવતા ડેલીનું તાળું ખોલી ડેલી ખોલવા જતા ડેલી ખુલી ન હતી. બાદમાં યુવાનના ભાઇ પરેશે ડેલી ટપી અંદર જતા ડેલી અંદરથી બંધ હોવાનું માલુમ પડયું હતું. બાદમાં જોતા અંદરના રૂૂમમાં દરવાજા ખુલ્લા હતા સામાન પણ વેરવિખેર પડ્યો હતો. જેથી ચોરી થયાની શંકા ગઈ હતી.
ઘરમાં તપાસ કરતા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત રૂૂ. 1.50 લાખની મત્તા તસ્કરો ચોરી કરી ગયાની જાણ થઈ હતી. જેથી આ મામલે કોઈ અજાણ્યા શખસો દરવાજાના તાળા તોડી નકુચા તોડી દોઢ લાખની મત્તા ચોરી કરી ગયા અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી પીઆઇ એન.જી. વાઘેલાની રાહબરીમાં પી.એસ.આઇ. એમ.એસ.મહેશ્વરીએ તપાસ હાથ ધરી છે.