હડમતાળાની સીમમાં ખેતરની ફેન્સિંગમાં વીજશોક લાગતા પિતાનું મોત, પુત્ર દાઝયો
ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા પિતા પુત્ર બપોરે ખેતર ગયા હોય ફેન્સીંગ માં વિજ કરંટ આવતો હોય પિતાને કરંટ નો જોરદાર જટકો લાગતા તેનું મોત નિપજ્યું હતુ.પિતાને બચાવવા દોડેલા પુત્ર ને પણ વિજ કરંટ લાગતા ઇજાગ્રસ્ત બનતા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ હડમતાળા રહેતા ઇલયાઝભાઈ ઓસમાણભાઈ પતાણી (ઉ.48) અને તેમના પુત્ર અનિસભાઈ (ઉ. 22) સાથે બપોરના 2 વાગ્યા પછી ધરેથી જમીને હડમતાળાની સીમમાં રણદેવી વિસ્તાર મા આવેલી વાડીએ ખેતી કામ માટે જતા હતા તે દરમ્યાન વાડીના શેઢા પાસે પીજીવીસીએલનો 11 કે.વી. ચાલુ વીજ વાયર વાડી ફરતે કરેલ વાયર ની ફેનસિંગ પર પડતા આખા ખેતરમાં કરંટ આવતા વાડીમાં પ્રવેશ કરી રહેલા ઇલયાઝભાઈને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ઇલયાઝભાઈ નો પુત્ર અનિસ પિતાને છોડાવા જતા તેને ને વીજ કરંટ લાગતા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઇલયાઝભાઈના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઇલયાઝભાઈના નાના ભાઈ અનવરભાઈએ પીજીવીસીએલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેઓ જણાવ્યું હતું કે આ બનાવ પહેલા પીજીવીસીએલ તંત્રને અનેક વાર મૌખિક રજુઆત કરી હતી કે વીજ તાર ઢીલા છે. તેને સરખા કરવા રજુઆત કરી હતી. પીજીવીસીએલ તંત્રની બેદરકારીને કારણે આ બનાવ બન્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. મૃતક ઇલયાઝભાઈ ને પરિવારમાં બે દીકરાઓ છે. ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરીછે.