સાવરકુંડલામાં પુત્ર 10 કરોડના હીરા લઈ ફરાર થઈ ગયા બાદ પિતાનો આપઘાત
સાવરકુંડલામા હિરા બજારના એક કમિશન એજન્ટ આશરે 10 કરોડના હિરા સાથે ગુમ થઈ જતા આ મામલે તેમના પરિજનોએ પોલીસમાં જાણ કરી હતી.આ મામલે અમુક વેપારીઓ એજન્ટના પરિવારને પરેશાન કરતા હોવાથી તેમના પિતાએ માનસિક ટોર્ચરથી કંટાળી ઝેર પી લઈ આપઘાત કરી લીધો હતો.વધુ વિગતો મુજબ,સાવરકુંડલામાં જયંતી કરશનભાઇ કથળીયા (ઉ.વ.40) નામનો યુવાન ગુમ થઇ ગયો હતો.આ યુવાન હિરા માર્કેટમા કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો અને સાવરકુંડલાથી અન્ય શહેરોમા હિરાની લેવડ દેવડનુ કામ પણ સંભાળતો હતો.15 માર્ચના રોજ આ યુવાન સવારે ટ્રેન મારફત મુંબઇથી સાવરકુંડલા આવ્યો હતો અને સાંજના અચાનક સંપર્ક વિહોણો થઇ ગયો હતો.સગા સંબંધીઓ દ્વારા વિસ્તારમા તપાસ કરાઇ પરંતુ તેનો પતો ન મળતા પિતા કરશનભાઇ અને ભાઇ દિનેશભાઇએ આ બારામા સાવરકુંડલા પોલીસને જાણ કરી છે. બીજી તરફ હિરા બજારમા એવી ચર્ચા ઉઠી છે કે આ યુવાન આશરે દસેક કરોડના હિરા સાથે ગુમ થયો હતો. સાવરકુંડલા ઉપરાંત સુરત, પાલિતાણા, બોટાદ, જસદણ, મુંબઇ, અમદાવાદ સહિતના અનેક હિરા વેપારીઓનો માલ અટવાયો હોવાનુ કહેવાય છે. જો કે આ બનાવમાં જાણવા મળ્યું હતું કે,પિતા કલરવાળા હિરાના વ્યવસાયમા તથા પુત્ર જયંતી સફેદ હિરાના વ્યવસાયમા બજારમા ધંધો કરે છે.હાલ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે કે,જયંતિ ગુમ થતા હીરાના વેપારીઓ તેમના પરિવારને હેરાન કરતા હોય જેથી જયંતિના પિતાએ કંટાળી ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો.જોકે હજુ સુધી તેમના પુત્રની કોઈ ભાળ મળી નથી.