વાંકાનેર પાસે ટ્રક અડફેટે પિતા-પુત્રીનુ મોત: માતા-પુત્રીની હાલત ગંભીર
રાતીદેવડીનુ દંપતી બંને પુત્રીને લઇ સાતમી એનિવર્સરીએ સાસુના આશીર્વાદ લઇ પરત ફરતા ધટી
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર હસનપર ઓવરબ્રિજ પાસે બાઈકમાં પસાર થતાં રાતીદેવરી ગામના પરિવારનું બાઇકને ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર પાંચ વર્ષીય માસૂમ બાળકીનું ઘટના સ્થળે મોત નિપજ્યા બાદ પિતાએ પણ સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. જ્યારે માતા- પુત્રી ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર હસનપર ઓવરબ્રિજ પાસે સાંજે સાત વાગ્યાની આસપાસ અહીંથી પસાર થતા રાતીદેવરી ગામના વતની પરિવારને અકસ્માત નડ્યો હતો.
જેમાં બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રીતિ મયૂરભાઈ નામની પાંચ વર્ષીય માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ કરૂૂણ મોત નીપજ્યું હતું જ્યારે તેના પિતા મયૂરભાઈ રમેશભાઈ પરબતાણી, માતા ભાનુબેન મયૂરભાઈ અને હેમાંશી મયૂરભાઈ નામની બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા મયુરભાઈ પરબતાણીએ પણ પુત્રી બાદ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મયુરભાઈ પરબતાણી અને તેમના પત્ની ભાનુબેનની સાતમી એનિવર્સરી હતી જેથી દંપતી બંને પુત્રીને લઈને વાંકાનેર સાસુના આશીર્વાદ લેવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.