દ્વારકામાં માતા-પુત્ર પર ઘોકા વડે જીવલેણ હુમલો: મહિલાઓ સહિત 6 સામે ગુનો નોંધતી પોલીસ
ચાંદવડના વૃદ્ધનો ભોગ લેતો હાર્ટએટેક: વરવાળામાં વિપ્ર યુવાન પર હુમલો: દ્વારકામાં જુગાર રમતા 3 પકડાયા
દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા નસીમબેન સિકંદર કેસવાલા નામના 42 વર્ષના મુસ્લિમ મહિલા ગત તારીખ 27 મીના રોજ રાત્રિના સમયે તેમના મકાનની છત ઉપર મોબાઈલ ફોનમાં વાત કરી રહ્યા હતા. ત્યારે આ જ વિસ્તારમાં રહેતા હાજુબેન સુલેમાન ત્યાં આવ્યા હતા અને ફરિયાદી નસીમબેનને વાત કરવાની ના પાડી, બિભત્સ ગાળો કાઢી હતી. આનાથી સમજાવવા ગયેલા ફરિયાદી નસીમબેન સાથે ઝઘડો કરી અન્ય આરોપીઓ સુલેમાન ખરાઈ, જીન્નતબેન મુસ્તાક અને મુસ્તાક અલાયા લાકડાના ધોકા સાથે અહીં આવી ગયા હતા. ત્યાર બાદ અન્ય આરોપી યુસુફ પટેલિયા અને અબ્દુલ પટેલીયાએ પણ ઘટના સ્થળે આવી ફરિયાદી તેમજ સાહેદ તેમના પુત્ર અનવર ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી, ઈજાઓ કરી અને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે નસીમબેન કેસવાલાની ફરિયાદ પરથી મહિલાઓ સહિત તમામ છ આરોપીઓ સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. એલ.કે. કાગડિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
હૃદયરોગનો જીવલેણ હુમલો
ભાણવડથી આશરે 20 કિલોમીટર દૂર આવેલા ચાંદવડ ગામે રહેતા લખમણભાઈ ભીખાભાઈ ચુડાસમા નામના 68 વર્ષના આહિર વૃદ્ધને તા. 27 મીના રોજ પોતાના ઘરે રાત્રીના સમયે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
વિપ્ર યુવાન પર ધોકા વડે હુમલો
ઓખા મંડળના વરવાળા ગામે રહેતા સાગરભાઈ રાજેન્દ્રભાઈ ત્રિવેદી નામના 40 વર્ષના વિપ્ર યુવાનના માતાની માલિકીની વાડીમાં અપપ્રવેશ કરી, આ જ ગામના ગજુ રબારી નામના શખ્સ દ્વારા પોતાના માલઢોર ચરાવવામાં આવતા હોવાથી ફરિયાદી સાગરભાઈએ તેને ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈને તેમની સાથે ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, લોખંડના કુંડવાળી લાકડી વડે હુમલો કર્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
ત્રણ શખ્સો ઝડપાયા
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાંથી પોલીસે રવિવારે સાંજના સમયે જાહેરમાં ગંજીપતા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા મોડભા જાદવભા માણેક, અકબર ઓસમાણ ગજ્જણ અને પોલાભા જેતાભા માણેકને ઝડપી લઈ, રૂ. 10,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.