ભાડલા ગામે મંડળીમાં યુરિયા લેવા ગયેલા ખેડૂતોનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે જસદણના ભાડલા ગામે સહકારી મંડળીમાંયુરિયા લેવા ગયેલા ખેડુતોનું હાર્ટ એટેક આવતાઢળી પડતા મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના ભાડલા ગામે રહેતા બાબુભાઈ છગનભાઈ દોમડિયા (ઉ.વ.55) નામના ખેડુત પ્રૌઢ આજે સવારે ભાડલા ગામે સહકારી મંડળીમાં યુરિયા ખાતર લેવા માટે ગયા હતા દરમિયાનયુરિયા સાથે લીકવીડની બોટલ આપતા તેઓ રકઝક કરી ત્યાંથી નિકળ્યા બાદ અચાનક બેભાન થઈ ઢળી પડતા તેમને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને જોઈતપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયાનો તબીબોએ અભિપ્રાય આપ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક બાબુભાઈ બે ભાઈ એક બહેનમાં મોટા અને અગાઉ તેમના છુટાછેડા થઈ ગયા હતાં. તેઓ ખેતીકામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.