આજી ડેમમાં વધુ પાણી ભરી દેતા ખેડૂતોના ઊભા પાક ડૂબ્યા
- નર્મદાનીરથી ડેમ 25 ફૂટ ભરાઈ ગયો છતાં પાણી ચાલુ રાખતા કમાન્ડ એરિયામાં પાણી ફરી વળ્યા
રાજકોટ શહેરમાં પાણીકાપ હવે ભૂતકાળ બની ચુક્યું છે. જેનું મુખ્યકારણ શહેરને પીવાનું પાણી પુરુ પાડતા આજી-1 અને ન્યારી-1 ડેમમાં વખતો વખત સૌની યોજનાના નર્મદાનીર ઠલવવામાં આવી રહ્યા છે. આ પાણીનું બીલ પણ ચુકવું પડે છે છતાં શહેરીજનો માટે સરકારે જરૂરિયાતના સમયે નર્મદાનીર પહોંચતા કર્યા છે. જેમાં એક સપ્તાહ પહેલા આજી-1 ડેમમાં નર્મદાનીર ઠલવવાનું શરૂ થયેલ અને આજે ડેમની સપાટી 25 ફૂટ સુધી પહોંચતા કમાન્ડ એરિયામાં પાણી વિસ્તરણ થતાં અનેક ખેડુતોના શાકભાજી સહિતના ઉભા પાકડુબમાં જતાં દેકારો બોલી ગયો છે. 25 ફૂટથી વધુ આજીડેમમાં પાણી ભરાય ત્યારે ખેડુતોના ખેતરોમાં પાણી ઘુસી જતા હોય છે. છતાં પાક ડુબી જવાની જાણ હોવા છતાં આજીડેમમાં નર્મદાનીર ઠલવવાનું ચાલુ રાખતા વધુ ખેતરોમાં પાણી ફેલાઈ જવાનો ભય ઉભો થતાં ખેડુતો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરશે તેમ જાણવા મળેલ છે.
રાજકોટવાસીઓને પીવાનું પાણી પૂરું પાડવા માટે આજી ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવે છે. આ પાણી 25 ફૂટની સપાટીથી વધુ ભરવાના કારણે ડેમના કાંઠા વિસ્તારમાં આવેલાં ખેતરોમાં પાણીના કારણે આશરે 150 એકર જમીનમાં ઊભા પાકને નુકસાન થતું હોવાની અને હવે પછી સૌની યોજનાનું પાણી 25 ફૂટ સુધી જ ભરવાની રજૂઆત થોરાળા અને કારીપાટ વિસ્તારના ખેડૂતોએ પાણી પુરવઠા પ્રધાન સમક્ષ કરી છે. ખેડૂત અગ્રણી કાનજીભાઈ મોલિયાએ કહ્યું કે આજીના કાંઠા વિસ્તારમાં આશરે 150 એકર જમીનમાં ઘઉં, શાકભાજી, ચણા, મગ, બાજરો, ઘાંસચારો વગેરેનું વાવેતર કરવામાં આવે છે. આજી ડેમમાં સૌની યોજનાનું પાણી 25 ફૂટથી વધુ સપાટી સુધી ભરાવાના કારણે ખેતરોમાં પાણી ફરી વળે છે. પરિણામે ઊભા પાકને ભારે નુકસાન થાય છે. આ સમસ્યા માનવ સર્જિત છે. કારણ કે 25 ફૂટ સુધી પાણી ભરવાથી કોઈ તકલીફ પડતી નથી. તો પછી 25 ફૂટથી વધુ સપાટી સુધી પાણી ભરવાનો આગ્રહ શા માટે? તેમણે કહ્યું સૌની યોજનામાં કોઇ પણ સમયે પાઈપ લાઈન મારફતે પાણી ઠાલવી શકાય તેમ છે.
જો 25 ફૂટ સુધી પાણી ભરે એ પૂરું થઈ જાય પછી ડેમ પાછો ભરી લે તો કાંઈ તકલીફ પડે તેમ નથી. 2020થી 2022 સુધીના સમયગાળામાં 25 ફૂટ જ પાણી ભરાતું હતું. વર્ષ 2023માં પચીસ ફૂટથી વધુ પાણી ભરાયું હોવાથી આ નુકસાની વેઠવાનો વખત આવ્યો છે. ત્યારે આ બાબતે ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને લઈ 25 ફૂટથી ઓછુ પાણી ભરવામાં આવે અને જરૂરત પડ્યે ગમે ત્યારે પાણી ઠલવી શકાય તેમ હોય ખેડુતો પરેશાન ન થાય તેવો નિર્ણય લેવામાં આવે.
ખેતર ખાલી હોય ત્યારે જ વાવેતરની છૂટ છે : તંત્ર
આજીડેમમાં 25 ફૂટથી વધુ નર્મદાનીર ઠલવાઈ જતાં કમાન્ડ એરિયામાં આવતા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે જેના કારણે ખેડુતોના ઉભાપાક ડૂબમાં જતાં ભારે વિરોધ થયો છે. જેની સામે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, કમાન્ડ એરિયામાં ડૂબમાં જતી જમીનો સામે ખેડુતોને વળતર ચુકવવામાં આવતું હોય છે. અને જ્યારે ડેમ ખાલી હોય ત્યારે તેઓ ખેતી કરી શકે છે. આથી ચોમાસાની જેમ ડેમ વધુ ભરાઈ જાય અને કમાન્ડ એરિયામાં આવેલ ખેતીની જમીન ડૂબમાં જાય તો નિયમ મુજબ તંત્રનું કોઈ વાંક ગણાતો નથી આ માટે ખેડુતોએ ધ્યાન રાખવું જરૂરી બને છે.