જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખેડૂતોનો ઘેરાવ
સહકારી મંડળીઓમાં થતી ગોલમાલને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આજે આમ આદમી પાર્ટીના વિસાવદર મત વિસ્તારના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ 400થી વધુ ખેડૂતોની સાથે જિલ્લા સહકારી બેંકમાં આવેદનપત્ર આપી ઘેરાવ કર્યો હતો.
જિલ્લા સેવા સહકારી બેંક દ્વારા ભેંસાણના અલગ અલગ ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે. જેમાં ખેડૂતોએ ધિરાણ લીધેલું નથી, તેમ છતાં ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે.
જેથી આજે ખેડૂતો જિલ્લા સેવા સહકારી બેંકના મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા હતા અને વિસાવદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા પણ ખેડૂતો સાથે જિલ્લા સેવા સહકારી બેંક ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોની ઉગ્ર રજૂઆતો બેંકના મેનેજર તેમજ જવાબદાર અધિકારીઓ સુધી પહોંચાડી હતી અને ખેડૂતોને આપવામાં આવતી નોટિસ અને ઉઘરાણા બંધ કરી અને ધિરાણ આપવા માટેની રજૂઆત કરી હતી.
ભેસાણ તાલુકાના છોડવડી, વાંદરવડ જેવા ગામડા માં મંડળીઓ દ્વારા ખેડૂતોના નામે લાખો રૂૂપિયાનું ધિરાણ કરી દેવામાં આવ્યું છે અને ખેડૂતોને તેની જાણ પણ કરવામાં આવી નથી. ગત વર્ષ દરમિયાન આ કૌભાંડ સામે આવ્યું હતું અને જિલ્લા સેવા સહકારી બેંક દ્વારા મંડળીના પ્રમુખ મંત્રી સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ કરી અને તેમને હકાલ પટ્ટી પણ કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી જે ખેડૂતોને નામે ધિરાણ લેવામાં આવ્યું છે, તેવી તેમને નોટિસ આપવામાં આવી રહી છે. આ ધિરાણની રકમ અંદાજિત એક ગામમાં 6 કરોડની આજુબાજુમાં પહોંચે છે. ત્યારે આવા ખેડૂતો પૈસા ભરવા સક્ષમ નથી અને હવે ધિરાણ બાકી હોવાથી નવું ધિરાણ પણ આપવામાં આવતું નથી, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
આમ ભેંસાણ તાલુકાના ખેડૂતો સાથે મંડળીઓ દ્વારા આચરવામાં આવેલી સામે ખેડૂતો હવે સામે આવી ગયા છે અને જિલ્લા સેવા સહકારી બેંક દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોના નામે જે પૈસા ઉઘરાવી લેવાયા છે તેને લઈને પણ ખેડૂતોના હિતમાં કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી છે.