ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને અનુભવાતી મુશ્કેલીઓ
જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી દરમિયાન ખેડૂતોને વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે આ મુદ્દે ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.
વશરામભાઈએ જણાવ્યું હતું કે, જામનગર હાપા યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લેતા તેમના ધ્યાનમાં આવ્યું છે કે, ઘણા ખેડૂતોની મગફળી બારદાનમાં 35 કિલો ન સમાતી હોવાથી તેઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. આ અંગે તેમણે સરકારને 30 કિલોની ભરતીમાં પણ મગફળી ખરીદવાની અપીલ કરી છે.
આ ઉપરાંત, ખેડૂતોને રજીસ્ટ્રેશન કર્યા બાદ ખરીદ કેન્દ્ર દ્વારા 2 દિવસ અગાઉ જાણ કરવામાં આવતી નથી, જેના કારણે તેઓ પોતાની મગફળીને ખરીદ કેન્દ્ર સુધી પહોંચાડવામાં મુશ્કેલી અનુભવે છે. વળી, હાલમાં ખરીદ કેન્દ્ર માટે ફાળવવામાં આવેલી જગ્યા ખૂબ નાની હોવાથી ખેડૂતોને મગફળી ઉતારવામાં મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે મોટી જગ્યા ફાળવવાની જરૂૂર છે. વશરામભાઈએ તેમની રજૂઆતમાં એમ પણ જણાવ્યું હતું કે, ઘણી વખત ખેડૂતોની મગફળીમાં સામાન્ય રજ કે થોડી માટી હોવા છતાં તેને રિજેક્ટ કરવામાં આવે છે. આ માનવતાની વિરુદ્ધ છે અને આવી મગફળીને પણ ખરીદવી જોઈએ. આ ઉપરાંત, હાલમાં જે નવું પોર્ટલ ખરીદ કરવા માટે નિયત કરવામાં આવ્યું છે તે સાંજે 5 વાગ્યે સર્વર ડાઉન થઈ જતા વ્યવસ્થામાં ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવાની પણ તેમણે માંગ કરી છે.
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે સરકારને આશા વ્યક્ત કરી છે કે, તેઓ ખેડૂતોની આ સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયાને વધુ સરળ અને સુચારુ બનાવશે.