22મીએ અમિત શાહની હાજરીમાં ખેડૂત સંમેલન
રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક અને રાજકોટ ડેરી સહિત સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સભામાં જયેશ રાદડિયા કરશે શક્તિ પ્રદર્શન
રાજકોટમાં આગામી તા.22ના રોજ કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહની હાજરીમાં રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન અને સાત સહકારી સંસ્થાઓ દ્વારા વિશાળ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, આગામી તા.22નાં રોજ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક, રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (રાજકોટ ડેરી), જિલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘ, જિલ્લા સહકારી સંઘ, જિલ્લા સહકારી મુદ્રણાલય સંઘ, રાજકોટ કોટન યુનિયન તથા રાજકોટ જિલ્લા બેંકના કર્મચારીઓની મંડળી સહિત સાત સહકારી સંસ્થઓની વાર્ષિક સાધારણ સભાનું એક સાથે આયોજન કરવામાં આવેલ છે.
આ સાત સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં હજારો સભ્યો પણ ઉપસ્થિત રહેનાર હોય, સહકારી નેતા જયેશ રાદડિયા દ્વારા કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહને આમંત્રણ આપ્યું હતું. જેનો અમિત શાહે સ્વીકાર કરતાં આગામી તા.22ના રોજ સોમવારે રેસકોર્ષ મેદાન ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે અમિત શાહના હસ્તે રાજકોટ જિલ્લા બેંક ભવન ખાતે કદાવર ખેડૂત નેતા સ્વ.વિક્રમભાઈ રાદડિયાના સ્ટેચ્યુનું અનાવરણ પણ કરવામાં આવનાર છે.
હાલની રાજકીય સ્થિતિમાં યુવા ધારાસભ્ય અને સહકારી નેતા જયેશ રાદડિયાનું આ શકતી પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. ગુજરાત ભાજપના સંગન અને સરકારમાં ફેરફારો તોળાઈ રહ્યાની ચર્ચા વચ્ચે અમિત શાહની હાજરીમાં યોજાઈ રહેલ ખેડૂત સંમેલન માનવામાં આવેલ છે.