ઉપલેટામાં અણધાર્યા વરસાદને લઈ ખેડૂતોનો તૈયાર મગફળી અને સોયાબીનના પાકને નુકસાન
ઉપલેટા અને ધોરાજી સહિત ગ્રામ્ય વિસ્તારમાં સતત આફત રૂૂપી વરસાદને કારણે ખેડૂતોએ બે બે વખત વાવેતર કરેલ પાક નિષ્ફ્ળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
ઉપલેટા અને ધોરાજીમાં સતત ત્રણ દિવસથી અણધાર્યો વરસાદ વરસતા ખેડૂતોને મગફળી અને સોયાબીનના પાકમાં જે સારા પાકની આશા હતી તેના ઉપર પાણી ફરી વળ્યાં હતા. ગઈકાલે પડેલ ભારે વરસાદને કારણે ખેડૂતના ખેતરમાં મગફળી અને સોયાબીનના તૈયાર પાથરા પડ્યા હતા તે વરસાદને કારણે પલળી જતા મગફળી ગુગળી બની ગઈ હતી અને ખેડૂતોનો મોઢે આવેલ કોળિયો છીનવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ હતી.
ખેડૂતોના જણાવ્યા મુજબ ચોમાસા દરમ્યાન પડેલ ભારે વરસાદને કારણે કપાસનો પાક નિષ્ફળ ગયેલ. ત્યાર બાદ મગફળીનું વાવેતર કરેલ અને વીઘે 20 હજાર રૂૂપિયા જેવો ખર્ચ વાવેતર કરેલ પણ કુદરત જાણે ખેડૂત ઉપર કોપાયમાન થયેલ હોય તેમ ફરી નોરતામાં અણધાર્યો આફત રૂૂપી વરસાદ વરસતા ખેતરમાં મગફળી અને સોયાબીનના તૈયાર પાથરા પલળી ગયા હતા અને ખેડૂતોનો પાક પલળી જતા ખેડૂતો હવે સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ભગવાન તો રૂૂઠ્યો છે બસ હવે સરકાર પાસે અપેક્ષા છે કે અમને થોડીક મદદ કરે અને ટેકાના ભાવની મગફળીની ખરીદી તાત્કાલિક કરે જેથી થોડોક પાક બચ્યો છે તેમનું વળતળ મળે તેમ રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકના ખેડૂતો કહી રહ્યા છે.