કેશોદમાં 25મીએ ખેડૂત મહાપંચાયત
સૌરાષ્ટ્રમાં પાછોતરા વરસાદથી ખેડુતોને ભારે નુક્શાન થયું છે. વળતર મુદ્દે અને કૃષિ નિતિ અંગે સરકાર દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાના આક્ષેપ કિશાન આગેવાન દ્વારા કરવામાં આવ્યો હતો. ખેડુતોના પ્રશ્ર્નોના નિરાકરણ માટે આગામી તા. 25મીએ કેશોદના બામણાસા ગામે બજરંગ પુનિયા અને યોગેન્દ્ર યાદવની હાજરીમાં ખેડુત મહાપંચાયત યોજવા સંયુક્ત કિશાન મોરચા દ્વારા એલાન કરવામાં આવ્યું છે.
આ અંગે કિસાન મોરચાના પાલ આંબલિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષની કુદરતી આપતીમાં થયેલ પાક નુકશાની, જમીન ધોવાણ સામે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે, પોરબંદર-જૂનાગઢ એમ બે જિલ્લાના 7 તાલુકાનાં અંદાજે 100 જેટલા ગામો, 1 થી દોઢ લાખ હેકટર ખેતી લાયક જમીન દોઢ થી 2 લાખ વસ્તી ધરાવતો ઘેડ વિસ્તારનો કાયમી પ્રાણ પ્રશ્ન છે તેનું નિરાકરણ, ગીર જંગલ ફરતે આવતા 196 ગામોમાં જે ઇકો સેન્સેટિવ જોન દાખલ કરવાની કવાયત સરકારે ધરી છે તેને હટાવવામાં આવે જેવા અનેક મુદ્દાઓ છે.
ઘેડ વિસ્તારના પ્રાણપ્રશ્નનો કાયમી ઉકેલ, ભાદર-ઊબેણ-ઓઝતમાં છોડવામાં આવતા ઝેરી કેમિકલ કચરાથી કાયમી મુક્તિ આપવા, ઘેડ વિસ્તાર માટે ખાસ ""ઘેડ વિકાસ નિગમ"" બનાવવા, ચાલુ વર્ષનું ખેડૂતોનું "પાક ધિરાણ"" સંપૂર્ણપણે માફ કરવા, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરવા, ઇકો સેન્સેટિવ જોન સંપૂર્ણપણે રદ્દ કરવા, જમીન ધોવાણ સામે તાત્કાલિક યોગ્ય વળતર આપવા, ઘેળ વિસ્તાર માટે ઓછામાં ઓછા 10 હજાર કરોડના સ્પેશિયલ પેકેજ આપવા, ચાલુ વર્ષે અતિવૃષ્ટિ, કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની સામે તમામ ખેડૂતોને યોગ્ય વળતર આપવા, અતિવૃષ્ટિના કારણે થયેલ જમીન ધોવાણના યોગ્ય વળતર આપવા, જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ નુકશાનીના ફરજીયાત બીન પિયતના ભરાવવામાં આવેલા ફોર્મમાં પિયત પાકોનું વળતર આપવા, ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવા, પશુપાલન સાથે જોડાયેલ પશુપાલકોને અતિવૃષ્ટિમાં થયેલ પશુ હાની સામે યોગ્ય વળતર અને પશુ પાલકોને દુધના યોગ્ય ભાવ આપવા અને ખેડૂતોના દેવા માફી, ખેડૂતો માટે કાયમી કૃષિનીતિ, કૃષિપંચ બનાવવાની માંગ સહિતના પ્રશ્ર્નોને રજૂઆત કરાશે.
ઉપરોક્ત તમામ મુદ્દે આવતી 25 ઓક્ટોબર, શુક્રવારે સવારે 9 વાગ્યે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ગામે વેરાવળીધામ ખાતે "સયુંકત કિસાન મોરચો - ગુજરાત" અને "ઘેડ વિકાસ સમિતિ" દ્વારા એક મોટી "ખેડૂત મહાપંચાયત" કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ ખેડુત મહાપંચાયત પુરી થયા બાદ તે ફોર્મ જૂનાગઢ કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને મોકલીએ તેવી અપીલ સંયુક્ત કિસાન મોરચો ગુજરાત દ્વારા કરવામાં આવી હતી.