ધુતારપુરમાં રિવર્સમાં આવતાં ડમ્પર નીચે ચગદાઈ જતાં ખેડૂતનું કરુણ મોત
જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં રહેતા એક ખેડૂતનું રિવર્સમાં આવી રહેલા પથ્થર ભરેલા ડમ્પરના ઠાંઠા ની નીચે દબાઈ જતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં શોક છવાયો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા જમનભાઈ બાવાભાઈ ચાંગાણી (ઉંમર વર્ષ 56) કે જેઓના મકાનનું કામ ચાલતું હોવાથી પોતાના ઘર પાસે એક ડમ્પરમાં પથ્થર ભરીને મંગાવ્યા હતા, અને તેનો ફેરો કરીને ડમ્પરનો ચાલક પથ્થર ઠલાવવા માટે ઘર પાસે આવ્યો હતો. તે દરમિયાન ખેડૂત જમનભાઈ પોતાના ઘર પાસે ડમ્પરને રિવર્સમાં લેવડાવી રહ્યા હતા.
જે દરમિયાન એકાએક ડમ્પર નુ પાછળ નું વ્હીલ ઘર પાસેના સેફટીના સોસ ના ખાડામાં ફસાયું હતું. જેથી ડમ્પરનો પાછલો જોટો એક બાજુથી નમી જતાં તેની નીચે જમનભાઈ દબાઈ ગયા હતા, અને ગંભીર ઇજા થવાથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર ભાવિન જમનભાઈ ચાંગાણીએ પોલિસને જાણ કરતા પંચકોશી એ. ડિવિઝનના એ.એસ.આઇ ડી.એ.રાઠોડ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.