રાજકોટથી દ્વારકા જતાં પરિવારની કારને કુરંગા પાસે અકસ્માત નડ્યો, પાંચ ઘવાયા
રાજકોટના દર્શનાર્થીઓ આજરોજ દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે કુરંગા ગામ નજીક તેમની કાર રોડની એક તરફ ઉતરી જતા સર્જાયેલા અકસ્માતમાં પાંચ મુસાફરોને ઇજાઓ થવા પામી હતી.
અકસ્માતના આ બનાવ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકા દર્શન કરવા માટે રાજકોટના પરિવારજનો આજરોજ તેમની વોક્સવેગન મોટરકારમાં જઈ રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર તેમની મોટરકાર આશ્ચર્યજનક રીતે કુરંગા ગામ નજીક આવેલા પુલ નીચે બેરીકેટ તોડીને કાદવમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં મોટરકારનો બુકડો ગોલી ગયો હતો.
આ ઘટના અંગેની જાણ 108 માં કરાતા રાણ-લીંબડી અને દ્વારકાની 108 એમ્બ્યુલન્સ તાકીદે ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેમાં ઘવાયેલા મુસાફરોને ફ્રેક્ચર સહિતની ઈજાઓ હોવાનું ખુલતા બે દર્દીઓને દ્વારકા તેમજ ત્રણ દર્દીઓને લીંબડી 108 એમ્બ્યુલન્સમાં દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત મુસાફરોના કિંમતી મોબાઈલ, પર્સ સહિતનો મુદ્દામાલ 108 ની ટીમ દ્વારા તેમના માલિકના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો.