સેન્ટ્રલ જેલમાં કેદીનું પોલીસના મારથી મોત નીપજ્યાનો પરિવારનો આક્ષેપ : હાર્ટએટેકથી મૃત્યુનો તબીબનો અભિપ્રાય
કસ્ટોડીયલ ડેથ મુદ્દે રાજકોટ પોલીસને કાળી ટીલ્લી લાગી છે ત્યારે વધુ એક ઘટનામાં સાત વર્ષ પૂર્વે મિત્રએ ચોરાઉ ઘરેણા વેચવા આપતા ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ચાર દિવસ પૂર્વે જ ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો. જેલ હવાલે રહેલા કેદીનું બેભાન હાલતમાં મોત નિપજતાં પોલીસે માર મારતાં યુવાન મોતને ભેટયો હોવાનો પરિવારજનોએ સનસનીખેજ આક્ષેપ કર્યો છે. જ્યારે યુવકનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું તબીબે અભિપ્રાય આપ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા વિજય રામંદ્ર પરમાર નામનો 34 વર્ષનો કાચા કામનો કેદી સેન્ટ્રલ જેલમાં હતો ત્યારે રાત્રિનાં સાડા નવ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવકને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃતજાહેર કરતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતક કેદીના પરિવારજનોને યુવકના મોત અંગે જાણ કરતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. મૃતક યુવકના પરિવારે પોલીસના માર મારવાથી યુવકનું મોત નિપજ્યું હોવાનું આક્ષેપ કર્યો છે. જ્યારે યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું તબીબે અભિપ્રાય આપ્યો છે. યુવકના મોત અંગે આક્ષેપ થતાં પોલીસે મેજીસ્ટ્રેટની હાજરીમાં મૃતક યુવકના મૃતદેહનું વીડિયોગ્રાફી સાથે ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ યુવકના મોતનું કારણ જાણવા મળશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.