ગાંધી સ્મૃતિ સોસાયટીમાં કારખાનેદારનો આપઘાત
કોઠારિયા ચોકડી નજીક સીએનસી મશીનનું કારખાનું છે, મૂળ જસદણ પંથકના યુવાને ગળેફાંસો ખાઇ લેતા પરિવારમાં શોક
રાજકોટમાં જવેલર્સના માલીક 26 વર્ષના યુવાને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ ગઇકાલે સામાકાંઠે ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતા અને આજીડેમથી કોઠારીયા સોલવન્ટની વચ્ચે સીએનજી મશીનનું કારખાનુ ધરાવતા 31 વર્ષના પટેલ યુવાને રાત્રીના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ જાણવા બી ડીવીઝન પોલીસે મૃતકના પરિવારનું નિવેદન લઇ શોધખોળ શરૂ કરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીસ્મૃતિ સોસાયટી શેરી નં.4માં રહેતા લલીતભાઇ કાનજીભાઇ કાકડીયા (પટેલ) (ઉ.વ.31) નામના યુવાને ગઇકાલે રાત્રીના આઠેક વાગ્યે પોતાના ઘરે રૂમમાં પંખામાં સાલ બાંધી ગળેફાસો ખાઇ લીધો હતો. જયારે પરિવારને જાણ થતા દેકારો મચી ગયો હતો. યુવકના પરિવારે પોલીસને જાણ કરતા એએસઆઇ કે.સી. સોઢા અને સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને મૃતદેહને સિવિલ હોસ્પીટલે પોસ્ટમોર્ટમ માટે પહોંચાડયો હતો. લલીતભાઇ આજીડેમથી કોઠારીયા ચોકડી તરફ જવાના રસ્તે સીએનજી મશીનનું કારખાનું ધરાવે છે. તેમજ પોતે બે ભાઇમાં નાના હતા. તેમને સંતાનમાં ત્રણ વર્ષની દીકરી છે.
તેઓ મુળ જસદણના લીલાપુરના વતની છે. લલીતભાઇએ શા કારણે આપઘાત કર્યો તે અંગે બી ડીવીઝન પોલીસ તપાસ કરી રહી છે.કારખાનેદાર લલીતભાઈ કાકડિયાએ કયા કારણોસર આપઘાત કરી લીધો એ અંગે પોલીસ દ્વારા પરિવારજનોની પુછપરછ કરવામાં આવી રહી છે. જેમાંથી તેમના આપઘાતથી ત્રણ વર્ષની દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી. આપઘાતનું કારણ આર્થિકભીંસ? કે કોઈ અન્ય કારણ છે તે અંગે હવે પોલીસ દ્વારા મૃતકના મોબાઈલના આધારે તપાસ કરવામાં આવશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.