ભાવનગરની હોસ્પિટલના આંખના ડોક્ટરે પાલિતાણાની હોટલમાં જઇ દવા પીધી
ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં આંખના વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોકટર તરીકે કાર્યરત એક તબીબી સ્ટુડન્ટે પાલિતાણાની એક હોટલમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. તબીબ સ્ટુડન્ટને ગંભીર હાલતમાં હાલ ભાવનગરની સરકારી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. એક ચિઠ્ઠી મળી આવી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર સરકારી મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ડો.જયેશ મહાજન મંગળવારે સાંજે ઓપીડી પૂર્ણ કરી નીકળ્યો હતો.
પાલિતાણાની હોટલમાં રોકાયેલા તબીબી સ્ટુડન્ટનો હોટલમાંથી ચેકઆઉટનો સમય થતા હોટલ સ્ટાફ રૂૂમમાં ગયો ત્યારે સ્ટુડન્ટના મોઢામાં ફીણ નીકળતા હોવાનું માલૂમ પડતા 108 બોલાવી તેને તાત્કાલીક ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ આ વિભાગમાં ફરજ બજાવતા જયેશ મહાજન રાત્રિના હોસ્પિટલમાં ઓપીડી પૂર્ણ કરીને નીકળ્યા હતા. ત્યારબાદ આજે પાલિતાણાની હોટલમાંથી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યાંથી તેઓને અહીં સારવાર માટે લાવવામાં આવ્યા છે. જયાં તેની ક્રિટિકલ સ્થિતિ છે.
તેમની પાસેથી એક ચિઠ્ઠી મળી છે જેમાં લખ્યું છે કે, મમ્મી પપ્પા હું તમને બહું પ્રેમ કરું છું. તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી. તમે મારી સાથે છો હું તમારી સાથે છું. આઈ લવ યું મમ્મી પપ્પા. આ બાબતે મહારાષ્ટ્રમાં રહેતા તેના માતાપિતાને જાણ કરાતા તેઓ અહીં આવવા નીકળી ગયા છે. આ બનાવથી મેડિકલ કોલેજના કેમ્પસમાં અને સિવિલ હોસ્પિટલમાં ચર્ચા જાગી હતી.