દ્વારકા સહિતના 32 મંદિરોમાં વીઆઈપી દર્શનના નામે ઉઘરાણા, ભેદી મોબાઇલ એપ્લીકેશન પ્રગટી
દ્વારકાધીશ મંદિરમાં વ્યક્તિદિઠ રૂા.800 અને બેટ દ્વારકામાં રૂા.501નો ભાવ
ઓનલાઈન એપ્લીકેશનની દુનિયામાં ઠગાઈના જયારે અલગ અલગ કિમિયાઓ અજમાવવામાં આવી રહયા છે ત્યારે તેમાં ધાર્મિક સ્થાનોના નામે પણ ઠગાઈ કરાતી હોય તેવા કિસ્સાઓ બન્યા છે. એન્ડ્રોઈડ ફોનમાં હાલ હરિ ઓમ નામની એપ્લીકેશનમાં દ્વારકા બેટ દ્વારકા સહિત દેશભરના 32 જેટલા તીર્થસ્થાનોમાં દર્શન ઈત્યાદિની સુવિધાઓ અલગ અલગ ભાષામાં ઉપલબ્ધ કરાઈ છે.
જેમાં દ્વારકા તથા બેટ દ્વારકા તીર્થ સ્થાનોમાં તત્કાલ દર્શન કરવા હોય તો દિવસ અને સમય સ્લોટ સાથે દ્વારકાધીશ મંદિરમાં વ્યકિતદીઠ 800 અને બેટ દ્વારકાધીશ મંદિરમાં વ્યકિતદીઠ 501 રૂૂપિયા લખાયેલા છે.જો કે આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર જે તે તીર્થસ્થાનનું વહીવટી તંત્ર અજાણ હોય આ એપ્લીકેશન સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અંગે દ્વારકામાં ઉહાપોહ જાગ્યા બાદ વેબસાઈટ અને એપ્લીકેશનમાં ઉપલબ્ધ 3ર ધાર્મિક સ્થળોમાંથી દ્વારકા ગાયબ કરી દેવાયું છે. દ્વારકાના રીપોર્ટર ધનવંત વાયડા દ્વારા આ એપ્લીકેશનના હેલ્પલાઈન ઉપર ફોન કરી વીઆઈપી દર્શન કરાવવા વ્યકિતદીઠ 800 રૂૂપિયા લેવાતા હોવાની પુષ્ટિ કરતો ઓડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ રહયો છે. આ હરિ ઓમ એપ્લીકેશન સાચી છે કે ફ્રોડ તેની તેમજ જો ખરેખર આ એપ્લીકેશન દ્વારા ચાર્જ લેવાતો હોય તો વ્યકિતદીઠ 800 રૂૂપિયા કોના ખિસ્સામાં જાય છે તેની પણ તપાસ થવી જરૂૂરી છે.
આ એપ અંગે તપાસ કરવામા આવે તો વીઆઇપી દર્શન કરાવવાના નામે ભાવિકો પાસેથી નાણા ખંખેરવાનુ મોટુ કૌભાંડ બહાર આવવાની શકયતા દર્શાવાઇ રહી છે ત્યારે સરકાર આ પ્રકરણને ગંભીરતાથી લઇ તપાસ કરાવે તેવી માંગણી ઉઠવા પામી છે.