ખંભાળિયામાં વીજળી પડવાથી વ્યાપક નુકશાન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનો સજ્જડ મુકામ રહ્યો હતો. જેમાં મહત્વની અને ઐતિહાસિક બાબતો એ છે કે ખંભાળિયા પંથક તેમજ નજીકના ભાણવડ વિસ્તારમાં ગુરુવારે રાત્રે સતત દોઢથી બે કલાક સુધી ભયાવહ વીજળીના ગગડાટ અને ચમકારાથી સર્વત્ર ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. જોરદાર વીજળીના પગલે લાંબો સમય વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.
ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારમાં ગુરુવારે રાત્રે આશરે 12 વાગ્યે વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે વરસાદ શરૂૂ થયો હતો. સતત બે કલાક જેટલા સમયગાળા દરમિયાન થયા ભયાવહ આકાશી વીજના કડાકા-ભડાકાથી લોકો ભયભીત બન્યા હતા. અનેક સ્થળોએ વીજળી પડવાના બનાવ બન્યા હતા. વીજળી સાથે વરસાદના કારણે સાવચેતીના પગલાં રૂૂપે ખંભાળિયાનો વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમ છતાં પણ વીજળીના ચમકારાથી ધોળો દિવસ હોય તેવો પ્રકાશ જોવા મળતો હતો.
શહેરના વયોવૃદ્ધ વડીલોએ આ અંગે જણાવ્યું છે કે છેલ્લી અડધી સદીમાં આ પ્રકારની ભયાનક વીજળી થઈ નથી. એક થી દોઢ કલાક સુધી વીજળીના ચમકારા તો વર્ષ 2014માં અહીં જ્યારે ગાજવીજ સાથે રેકોર્ડરૂૂપ વરસાદ પડ્યો હતો ત્યારે પણ થયા ન હતા. આ વીજળીથી અબાલ-વૃદ્ધ સૌ કોઈ ભયભીત બની ગયા હતા અને પ્રભુ પ્રાર્થના કરવા લાગ્યા હતા.આ આકાશી વીજળી અને ગડગડાટના અહીંના વિડિયો સમગ્ર રાજ્યમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા. ખંભાળિયાના ઘી ડેમ વિસ્તારના ટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડતા પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી. વીજળીના કારણે પંખા, એ.સી., ઈનવર્ટર વીગેરે ઉપકરણો ક્ષતિગ્રસ્ત બન્યા હતાં.અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાં રોકડિયા હનુમાન મંદિર નજીક ગતરાત્રે થાંભલામાંથી વીજશોક લાગતા એક ગાયનું તેમજ આ જ સ્થળે ગઈકાલે શુક્રવારે પણ એક ગાયનો વીજ કરંટએ ભોગ લીધો હતો. ભાણવડમાં પણ એક ભેંસ પર વીજળી પડતાં મોત નીપજ્યાનું પણ જાણવા મળ્યું છે.
ખંભાળિયા શહેરમાં 66 કે.વી. સબ સ્ટેશન પર વીજળી પડતા મોટું નુકસાન થયું હતું. અનેક ગામોનો વીજ પુરવઠો બંધ થયો હતો. અત્રે દ્વારકા રોડ પર આવેલા ખોડીયાર માતાજીના મંદિરની ટોચ ઉપરથી છેક નીચે સુધી વીજળી પડતા મંદિરનો અડધો ભાગ તૂટી ગયો હતો.