પૂર્વ TPO સાગઠિયાની 12 વર્ષના ગાળામાં 24 કરોડની અપ્રમાણસર મિલકતને ગંભીરતાથી લેતી અદાલત
અગ્નિકાંડ કેસ બાદ એસીબીના ગુનામાં પણ સાગઠિયાની જામીન અરજી રદ થતા જેલવાસ લંબાયો
રાજકોટ સહિત દેશભરમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી ટીપીઓ મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અપ્રમાણસર મિલકતના કેસમાં જેલ હવાલે રહેલા ટીપીઓ સાગઠિયાએ અગ્નિકાંડ કેસની સાથે સાથે એસીબીના ગુનામાં પણ જામીન મુક્ત થવા અરજી કરી હતી. અગ્નિકાંડ કેસમાં સાગઠિયાની જામીન અરજી રદ થયા બાદ અપ્રમાણસર મિલકતના કેસમાં પણ કોર્ટે પૂર્વ ટીપીઓ સાગઠિયાની જામીન અરજી ફગાવી દીધી છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ ભભૂકી ઉઠતા 27 લોકો જીવતા ભુંજાયા હતા. જે અગ્નિ કાંડના રાજકોટ સહિત દેશભરમાં ઘેરા પડઘા પડ્યા હતા. જે અગ્નિકાંડમાં બેદરકાર પોલીસ અધિકારીઓ સહિતનાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જ્યારે મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ સાગઠીયા સહિત 16 વ્યક્તિની સંડોવણી ખુલતા ગુનો દાખલ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં ટીપીઓ મનસુખ સાગઠીયા પાસેથી 26 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. ત્યાર બાદ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવતા બંને વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ટીપીઓ મનસુખ સાગઠીયાએ જેલ મુક્ત થવા અગ્નિકાંડ અને અપ્રમાણસર મિલકતના કેસમાં જુદી જુદી બે જામીન અરજી કરી હતી જેમાં અદાલતે અગ્નિકાંડ કેસમાં આરોપી પૂર્વ ટીપીઓ સાગઠીયાની જામીન અરજી ફગાવી દીધી છે. જ્યારે અપરમાણસર મિલકતના કેસમાં બંને પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી. સાગઠિયાના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં માત્ર વર્ષ 2012 થી વર્ષ 2024 સુધીની આવકને ધ્યાને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષ પહેલાંની મિલકતો કે આવકને ધ્યાનમાં લેવામાં આવી નથી તેવી દલીલો કરવામાં આવી હતી. જ્યારે સરકાર પક્ષે સ્પે.પીપી દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે પૂર્વ ટીપીઓ સાગઠિયા પાસે અગાઉની મિલકતો હોય તો તેના કોઈ પણ આધાર-પુરાવા સાગઠિયા દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નથી.
બને પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ઉચ્ચ અડકલતના ચુકાદાઓ ધ્યાને લઇ અદાલતે અપ્રમાણસર મિલકતના કેસમાં પણ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. અગ્નિકાંડ કેસ બાદ અપ્રમાણસર મિલકતના ગુનામાં પણ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જામીન અરજી રદ થતા જેલવાસ લંબાયો છે.આ કેસમાં સાગઠિયાના બચાવ પક્ષે એડવોકેટ જામનગરના એડવોકેટ વી.એચ. કનારા, વી.એસ. ખીમાણીયા અને રાજકોટના ભાર્ગવ બોડા તેમજ સરકાર પક્ષે સ્પે. પીપી સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.