પૂર્વ TPO સાગઠિયા વિરુદ્ધના અપ્રમાણસર મિલકતના કેસમાં સ્પે.પી.પી. તરીકે એસ.કે.વોરાની નિમણૂક
એસીબીના કેસમાં સાગઠિયાના પરિવારને નિવદેન માટે બોલાવતા કરેલી આગોતરા જામીન અરજીની કાલે સુનાવણી
રાજકોટના ચકચારી ટીઆરપી ગેમઝોન અગ્નિ કાંડના આરોપી ટી.પી.ઓ. એમ.ડી. સાગઠીયાના રૂૂ.28 કરોડના ભ્રષ્ટાચાર કેસમાં સરકાર દ્વારા જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાની સ્પેશ્યલ પી.પી. તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટ ચકચારી ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડના કેસમાં તપાસ દરમ્યાન મુખ્ય આરોપી સાથે જોડાયેલ ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી.સાગઠીયાની મિલ્કતોની ઝડતી તપાસ દરમ્યાન રૂ.28 કરોડની અપ્રમાણસર મિલ્કત મળી આવેલ હતી. આથી, અગ્નિકાંડના કેસની તપાસ દરમ્યાન સાગઠીયા વિરુધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અલગથી કેસ નોંધવામાં આવ્યો હતો.
આ કેસની તપાસ દરમ્યાન પણ સાગઠીયાના કુટુંબીજનોના નામે મોટા પ્રમાણમાં મિલ્કતો મળી આવી હતી. સાગઠીયા વિરુધ્ધના આ કેસમાં મિલ્કતોની કિંમત કરોડોમાં જતી હોવાથી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ રાજય સરકારે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરાને આ કેસ માટે સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર નિમેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાગઠીયા વિરુધ્ધની આ તપાસ દરમ્યાન તપાસનીશ અમલદારે સાગઠીયાના પત્નિ, તેમના ભાઈ તેમજ તેમના પુત્રને તપાસ અર્થે સમન્સ પાઠવી નિવેદન આપવા માટે બોલાવેલ હતા. આ મુજબ નિવેદન આપવા હાજર થવાના બદલે આ ત્રણેય કુટુંબીજનોએ સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરેલ છે જેની આગોતરા જામીન અરજીની સુનાવણી આવતી કાલે હાથ ધરવામાં આવશે.