રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દરેક પરિવાર પાંચ-પાંચ વૃક્ષો વાવી પંચવટીનું નિર્માણ કરે: પૂ.મોરારિબાપુ

04:45 PM Nov 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વૃક્ષો, નદી, પ્રકૃતિના તમામ તત્ત્વો બોલે છે પણ આપણે સાંભળી શકતા નથી

વૃક્ષો વાવવા- ઉછેરવાનો અવસર આવ્યો છે, ઈતિહાસે કરવટ બદલી છે

બાળપણમાં સાત્વિક પરીકથા, યુવાનીમાં હરિ કથા અને વૃદ્ધાવસ્થામાં ખરી કથા સાંભળો

માનસ સદ્ભાવના વૈશ્વિક રામકથાના તૃતીય દિવસે મોરારિબાપુએ લોકોને પરિવારદીઠ પાંચ વૃક્ષો વાવીને પંચગ્રહની સ્થાપના કરવા અને તમારા આંગણે જ પંચવટીનું નિર્માણ કરો એવી અપીલ કરી હતી. તેમણે વૃક્ષો, નદી સહિતના પ્રકૃતિના તમામ તત્વો બોલે છે, આપણી સાથે વાત કરે છે પણ આપણે એ સાંભળી શકતા નથી. બાપુએ એમ પણ કહ્યું કે વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનો હવે અવસર આવ્યો છે કારણ કે, ઈતિહાસે કરવટ બદલી છે. ભારત મને હરિયાળું દેખાવા લાગ્યું છે એવું પણ બાપુએ કહ્યું.

આજે મોરારિબાપુએ કથા પ્રારંભે જ વૃક્ષોના મહત્વને ભાવથી સમજાવ્યું. તેમણે કહ્યું કે દરેક પરિવાર ગણેશ, શંકર, વિષ્ણુ, સુર્ય અને દુર્ગાના નામે એક એક વૃક્ષ એટલે કે પાંચ વૃક્ષ વાવે. આમ કરવાથી તમારે ત્યાં પંચદેવની સ્થાપના થઈ જશે અને પંચવટીનું નિર્માણ થઈ જશે. મોરારિબાપુએ ગુરુના નામે પણ વૃક્ષ વાવવા અપીલ કરી. તેમણે નરસિંહ મહેતાના ’વૈષ્ણવ જન તો તેને કહીએ’ પદ ગાઇને આ નરસિંહની ગિરનારી ગીતા છે એવું કયું. આ કથાને વૃદ્ધો અને વૃક્ષોના સદભાવની કથા ગણાવી. તેમણે એમ પણ કહ્યું કે પ્રકૃતિના તત્વોની જેમ ગ્રંથો પણ મનુષ્ય સાથે વાત કરે છે.

શાસ્ત્રોમાં વૃક્ષોનો મહિમા ખૂબ છે. કૃષ્ણના વિરહમાં વૃક્ષો રોતા હતા તો કાલિંદાની શકુંતલા વૃક્ષો સાથે વાતો કરતી હતી. વૃદ્ધ પોતે વૃક્ષ છે અને વૃક્ષ પોતે વૃદ્ધ છે એવું પૂ. મોરારિબાપુએ કહ્યું. તેમણે એમ પણ જણાવ્યું કે વડલાના ફળને તોડીએ તો ઝીણા ઝીણા બીજ તેમાંથી નીકળે. એ બીજને તોડીએ તો એમાંથી કઈ નજરે ન પડે જે ન દેખાય તે પરમાત્મા છે.

મોરારિબાપુએ સાધુના વિવિધ પ્રકારો કહ્યા જેમાં સન્યાસી, સંસારી, સહકારી, સરકારી, સુધારક, સ્વીકારક, સંવાદી, સમન્વય, સંઘર્ષ અને સાધનાશીલ સાધુ તેમણે ગણાવ્યા. કપિલ મુનિએ એવું કયું કે સહન કરે તે સાધુ, કરુણાથી ભરેલો હોય તે સાધુ. મોરારિબાપુએ રામચરિત માનસનો આધાર લઈ ચૌદ પ્રકારના લોકોને જીવતા છતાં મડદા ગણાવ્યા જેમાં કામી, લોભી, મુઢ, વાણી અને નજરનો હલકો, બદનામ, બોજરૂૂપ, આજીવન રોગિષ્ટ,
ક્રોધી, ધર્મ વિમુખ, વેદના વિરોધી, સાધુ વિરોધી, સ્વાર્થી, નિંદક, પાપગ્રસ્ત વગેરેનો સમાવેશ થાય છે.મોરારિબાપુએ બાળપણમાં સાત્વિક પરીકથા, યુવાનીમાં હરિ કથા અને વૃદ્ધાવસ્થામાં ખરી કથા સાંભળવા ભલામણ કરી. તેમણે કહ્યું કે હું રામચરિત માનસના સાત સોપાન ગાઉં છુ એટલે કે સાતમાં ધોરણ સુધીનું પ્રાઇમરી કક્ષાનું શિક્ષણ આપું છું. તેમણે યુવાનની વ્યાખ્યા કરતાં કહ્યું કે જે આચાર, વિચાર અને ઉચ્ચારથી યુવાન છે તે જ સાચા યુવાન. તેમણે વિચારક ગુણવંત શાહને ટાંકીને ઝનુન અને જડતા ધર્મના દુશ્મન છે જ્યારે આચાર અને વિચાર ધર્મના મિત્ર છે. મોરારિબાપુએ માતા પિતાની સેવા અંગે શીખ આપી કે જ્યારે માતા પિતા હયાત હોય ત્યારે એની સેવા કરવી અને હયાત ન હોય ત્યારે તેમનું સ્મરણ કરવું, રામકથાને આગળ ધપાવતા મોરારિબાપુએ રામકથાના ગાયકના પાંચ મુખનો ઉલ્લેખ કર્યો જેમાં વિચારમુખ, વિવેકમુખ, વિનોદમુખ, વૈરાગ્યમુખ અને વિશ્વાસમુખ હોવાનું જણાવ્યું. શ્રેષ્ઠનો સ્વીકાર કરવો એને જ મોટો ત્યાગ ગણાવ્યો. મોરારિબાપુએ ધર્મને બહુ ક્લિષ્ટ કરવાને બદલે સરળ અને સહન એટલે કે માતાના દૂધની જેમ પીવડાવી દેવા અપીલ કરી.

મોરારિબાપુએ રામચરિતમાનસ કથાને પાંચ ચરિત્રોની કથા ગણાવી જેમાં શિવ યસ્ત્રિ, રામ - સીતા યરિત્ર, ભરત ચરિત્ર, હનુમંત ચરિત્ર અને કાગ ભૂષડી ચરિત્ર હોવાનું કહ્યું. મોરારિબાપુએ એમ પણ જણાવ્યું કે જ્યારે વ્યાસજી નિમંત્રણ આપે છે ત્યારે જ આપણે કથા શ્રવણ કરી શકીએ છીએ બાકી કથા મંડપમાં બેઠા હોઈએ તો પણ કથા શ્રવણ કરવાનું નસીબ પ્રાપ્ત થતું નથી.

આજે પણ સવારથી જ કથક મંડપમાં હજારો ભાવિકો ઉમટી પડયા હતા જેને કારણે શમિયાણો ભરચક થઈ ગયો હતો. કથા પૂર્ણ થયા પછી હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સદભાવના વૃદ્ધાશ્રમની સમગ્ર ટીમ દ્વારા કથા દરમિયાન ચુસ્ત વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિરાધાર, નિ:સંતાન,પથારીવશ, બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભક્તિભાવ સાથે પ્રખર રામાયણી મોરારિબાપુ દ્વારા, વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા "માનસ સદભાવના શરુ થઇ ચુકી છે. આ કથા 1 ડીસેમ્બર સુધી ચાલશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 એકર જગ્યામાં, 5000 નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું 1400 રૂૂમ યુક્ત નવું પરિસર 300 કરોડનાં માતબર ખર્ચે બની રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલો અને તેની વૃક્ષારોપણની પ્રવૃત્તિનાં લાભાર્થે આ વૈશ્વિક રામકથા યોજાઈ છે. રામકથા દરમિયાન વડિલોનું માન, પર્યાવરણ જતન અને જીવનમાં વૃક્ષોના મહત્વ અંગેની પણ વાત કરવામાં આવી રહી છે. આ કથા દરમિયાન જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃધ્ધાશ્રમની સેવા-સુશ્રુસા, નવા અદ્યતન પરિસરના નિર્માણ અને સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવીને તેનો 4 વર્ષ સુધી ઉછેર કરવાની પ્રવૃતિના વિકાસ માટે, સમગ્ર ભારતને ગ્રીન કરવા માટે વાપરવામાં આવશે.

24 કલાકમાં 2.5 કરોડનું અનુદાન
સાધુનો બેડલો ’અઢીયો’: એક રૂૂપીયાથી એક કરોડ સુધીના અનુદાન અર્પણ કરતાં બાપુના ફલાવર્સ માનસ સદભાવના રામકથામાં પ્રથમ દિવસે જ મોરારિબાપુએ આવતા શનિવાર સુધીમાં એટલે કે આઠ દિવસમાં પોતાના કલાવર્સ, સાજીંદાઓ અને વ્યાસપીઠ તરફથી 33. 1 કરોડ ‘તલગાજરડાનું તુલસીપત્ર’ સદભાવના વૃધ્ધાશ્રમને અર્પણ કરવાની અપિલ કરી હતી. તેના 24 કલાકમાં જ રૂૂા. 2.5 કરોડનું અનુદાન જાહેર થયું છે. ’સાધુનો બેડલો સવાયો’ નહીં પણ અઢીયો થઈ ગયો છે. એમ જણાવી મોરારિબાપુએ પ્રસન્નતા વ્યકત કરી હતી. લંડનમાં રહેતા રમેશભાઈ સયદેવ નામના શ્રોતાએ બાપુને ફોન કરી અને એક કરોડ આપવાની ગઈકાલે જાહેરાત કરી હતી, તો ઝુંપડપટ્ટીમાં રહેતા એક યુવાને બાપુને ચીઠ્ઠી લખી પોતે પોતાના પોકેટમનીમાંથી બચાવેલો એક રૂૂપિયો તેમજ કેનેડાથી જગદીશ ત્રિવેદીએ રૂૂા. 10 લાખ ઉપરાંત તલગાજરડાના તુલસીપત્ર તરીકે રૂૂા. પાંચ લાખનો ચેક સદભાવના વૃધ્ધાશ્રમને અર્પણ કરવામાં આવ્યો છે.

નાનામાં નાના માણસના દાનને સ્વીકારવા કાઉન્ટર શરૂ કરાયા: ઓનલાઈન દાન પણ સ્વીકારવાની વ્યવસ્થા
માનસ સદભાવના રામ કથામાં મોરારિ બાપુએ લાખો અને કરોડોના દાનની સાથે એક રૂૂપિયાના દાનનો મહિમા પણ હોવાનું જણાવી આયોજકોને આ માટે ગઈકાલે વ્યવસ્થા કરવા અપિલ કરી હતી. જેના સંદર્ભમાં કથા પંડાલની બહાર અલગ-અલગ કાઉન્ટર શરૂૂ કરવામાં આવ્યા છે. જેમાં બારકોડ વ્યવસ્થાથી ઓનલાઈન ડોનેશન પણ સ્વીકારવામાં આવે છે તેમ ત્રીજા દિવસની કથા શરૂૂ થાય એ પૂર્વે મિત્તલ ખેતાણીએ જાહેર કર્યુ હતું

તલગાજરડામાં નિર્માણ કરીશું ’ત્રિભુવન વન’: મોરારિબાપુ
માનસ સદભાવના’ રામકથામાં મોરારિબાપુએ પોતાનો સંકલ્પ જાહેર કરતાં જણાવ્યું કે અમે તલગાજરડામાં ’ત્રિભુવન વન’નું નિર્માણ કરવું છે જેમાં એક 1008 વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરશું. આ માટે અમે સદભાવના વૃદ્ધાશ્રમનું માર્ગદર્શન લેશું. બાપુએ આજે ત્રીજા દિવસની કથા દરમિયાન પોતાનો વૃક્ષો માટેનો સંકલ્પ જાહેર કરતાં કહ્યું કે અમે તલગાજરડામાં ’ત્રિભુવન વન’નું નિર્માણ કરવું છે જેમાં એક 1008 વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરશું. વળી આખા ગામને સોલાર બનાવી દેવું છે. ઉલ્લેખનીય છે કે મોરારિબાપુના દાદા અને ગુરુનું નામ ત્રિભુવન હોયને તેમના નામ પરથી આ વનનું નિર્માણ કરવામાં આવશે. આ માટે સદભાવના વૃદ્ધાશ્રમનો સહયોગ લેવાનો તેમણે જાહેરાત કરી.

28મીએ રામકથામાં હાજરી આપશે ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝા
રાજકોટમાં વૈશ્વિક રામકથા માનસ સદભાવના શરૂૂ થઈ ચૂકી છે જે 1 ડિસેમ્બર સુધી ચાલશે. મોરારિ બાપુ રામાયણરૂૂપી જ્ઞાનગંગાનું રસપાન કરાવી રહ્યા છે. રાજકોટના આંગણે યોજાઈ રહેલ રામકથામાં દેશવિદેશથી બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાવિકો ઉમટી પડ્યા છે ત્યારે વૈશ્વિક રામકથા આપણા જીવનમાં આધ્યાત્મિકતા, માનવતા, પ્રેમ, સંવેદના, કરૂૂણાના મૂલ્યોને સમજાવવાનું શ્રેષ્ઠ માધ્યમ બની રહી છે. મોરારિબાપુ તેમના કથનમાં જીવનનાં મહત્વના સિધ્ધાંતો પ્રેમ અને સહિષ્ણુતા, ધર્મ, કર્તવ્ય, શાંતિની સમજણ રાજકોટ વાસીઓ તેમજ દેશ વિદેશથી આવેલા મહેમાનોને આપી રહ્યા છે. કથા સમાજમાં શ્રધ્ધા અને વિશ્વાસની ભાવનાને ઉજાગર કરે છે ત્યારે 28 નવેમ્બરે વૈશ્વિક રામકથા માનસ સદભાવનામાં વૈશ્વિક ભાગવત કથાકાર ભાઈ રમેશભાઈ ઓઝા હાજરી આપવાના છે. ભાઈ રમેશભાઈ ઓઝા વિશ્વનાં જાણીતા ભાગવત કથાકાર છે. તેમનો જન્મ 31 ઓગસ્ટ, 1957 નાં રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં દેવકા ગામે હતો. એમણે અંગ્રેજી માધ્યમમાં વિનયન શાખામાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. આથી એમની કથાઓમાં શ્રોતાઓને ભાગવતની સાથે સાથે અંગ્રેજી સંવાદો તેમજ ગહન તત્વજ્ઞાનનો લ્હાવો પણ અસ્ખલીતપણે પહાડી અવાજમાં માણવા મળે છે. તેમણે 18 વર્ષની ઉંમરે સેન્ટ્રલ મુંબઈમાં કથા યોજી હતી.ભાઈ રમેશભાઈ ઓઝા ને ભાગવત આચાર્ય, ભાગવત રત્ન, ભાગવત ભૂષણ સહિત વિવિધ પુરસ્કરથી સમ્માનિત કરવામાં આવ્યાં છે.

Tags :
gujaratgujarat newsmorari bapuMorari Bapu RAMKATHArajkotrajkot news
Advertisement
Next Article
Advertisement