For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અરે વાહ! વીજળી ગુલ થાય તો પણ 108ની માફક ખાસ ટીમ દોડી આવશે

02:06 PM Dec 21, 2023 IST | Sejal barot
અરે વાહ  વીજળી ગુલ થાય તો પણ 108ની માફક ખાસ ટીમ દોડી આવશે

નાણા, ઊર્જા અને પેટ્રો-કેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સ્થાયી પરામર્શ સમિતિની બેઠક મળી હતી. જેમાં મંત્રી દેસાઈએ જણાવ્યું હતું કે, સમયાંતરે યોજાતી સ્થાયી પરામર્શ સમિતિની બેઠકના પરિણામે પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ આવે છે.ગત બેઠક દરમિયાન ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા મોટાભાગના પ્રશ્નોનો નિકાલ આવ્યો છે.
રાજ્યમાં વિવિધ કારણોસર વીજળી ખોરવાય છે, આવા પ્રસંગોએ વીજળી પુન:કાર્યરત થઇ શકે તે માટે રાજ્ય સરકાર આકસ્મિક સેવા પણ ટૂંક સમયમાં શરુ કરશે. જે રીતે હેલ્થ ઈમરન્સી સમયે લોકો 108 નંબરથી એમ્બ્યુલન્સ આવે છે, તેવી જ રીતે ટોલ ફ્રી નંબરથી વીજળી પુન:કાર્યરત કરવા પણ ટીમ ઘટના સ્થળે પહોંચશે. આ અદ્યતન મોડલ અત્યારે તૈયાર થઇ રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના નાગરીકો પોતાના વીજ પ્રશ્નો પણ ખુબ જ સરળતાથી ઓનલાઈન રજીસ્ટર કરી શકશે.
તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં બિપોરજોય વાવાઝોડા દરમિયાન અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો પરંતુ રાજ્ય સરકારના ઊર્જા વિભાગની ટીમો દ્વારા માત્ર 72 કલાકના રેકોર્ડ બ્રેક સમયમાં સમગ્ર રાજ્યમાં વીજ પુરવઠો પુન:કાર્યરત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ, તે સમયે દરિયાકાંઠાના વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા સૂચન કર્યું હતું. જેથી આગામી સમયમાં વાવાઝોડા દરમિયાન વીજ પુરવઠો ખોરવાય નહિ. જેની કામગીરી પણ કેન્દ્ર સરકારની સહાયથી શરુ થઇ ગઈ છે અને ટૂંક સમયમાં જ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યોએ વીજ પોલ, ખેડૂતોના વળતર, નવા સબ-સ્ટેશન કાર્યરત કરવા, અન્ડરલાઈન કેબલ લાઈન, વીજ ચોરી, સ્માર્ટ મીટર, જ્યોતિ ગ્રામ યોજના, ખેડૂતોને અપાતા વીજ કનેક્શન સહિત જીઆઇડીસી માં વીજ પુરવઠો પૂરો પાડવા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કર્યાં હતા. જેનો હકારાત્મક પ્રતિભાવ આપતાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે ગામતળ સિવાય છૂટા-છવાયે વસતા લોકોને વીજ પુરવઠો પૂરો પાડવા માટે વિચાર-વિમર્શ કરવા જણાવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement