ચોથા રાઉન્ડ બાદ પણ પીજી મેડિકલમાં 1000થી વધુ બેઠક ખાલી
પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ-પીજીમાં પ્રવેશ માટે ચાર રાઉન્ડ પૂરા કર્યા બાદ ઓલ ઇન્ડિયા ક્વોટાની 1 હજારથી વધારે બેઠકો ખાલી રહી છે. ખાલી બેઠકોમાં બી.જે.મેડિકલ કોલેજની સારી ગણાતી બ્રાન્ચ સહિતની રાજ્યની અંદાજે 30થી વધારે બેઠકોનો પણ સમાવેશ થાય છે. આ બેઠકો ભરવા હવે પ્રવેશની લઘુતમ લાયકાત ઘટાડીને નવેસરથી રજિસ્ટ્રેશન કરવાની જાહેરાત કરાઈ છે.
એમ.ડી. અને એમ.એસ.માં પ્રવેશ માટે સ્થાનિક કક્ષાએ ચોથા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યા પછી હાલમાં 11 બેઠકો ખાલી પડી છે. જેની સામે 15 બેઠકો નોન-રિપોર્ટિંગ થઇ છે. આમ, રાજ્યમાં હવે માત્ર 26 બેઠકો ખાલી પડી છે.
જેની સામે ઓલ ઇન્ડિયા ક્વોટામાં 2561 બેઠકો પર ચોથા રાઉન્ડમાં પ્રવેશ કાર્યવાહી કર્યા બાદ હાલમાં એક હજાર જેટલી બેઠકો ખાલી પડી છે. સૂત્રો કહે છે કે, ખાલી પડેલી બેઠકોમાં માત્ર બી.જે.મેડિકલમાં જ ઓર્થોપેડિક, ઇ એન્ડ ટી, પેથોલોજી અને એનેટોમી સહિતની સારી ગણાતી બ્રાન્ચની બેઠકો પર ખાલી પડી છે. સામાન્ય રીતે આ પ્રકારની સારી બ્રાન્ચ ખાલી રહેતી નથી, પરંતુ ચાલુ વર્ષે મોડા પ્રવેશ સહિતના અનેક કારણોસર આ બેઠકો ખાલી પડી છે. સમગ્ર દેશની જુદી જુદી મેડિકલ કોલેજોમાં અંદાજે 1 હજાર બેઠકો ખાલી રહી છે. અત્યાર સુધીમાં પ્રવેશના ચાર રાઉન્ડ પૂરા કરી દેવાયા છે. એટલે કે, મેરિટમાં જે વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે તે તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયા છે અથવા તો ખાલી બેઠકો ઓફર કરી દેવાઈ છે. આ સ્થિતિમાં હવે પ્રવેશની લઘુતમ લાયકાત ફરીવાર ઘટાડીને 5 પર્સન્ટાઇલ કરી દેવામાં આવી છે.
એટલે કે, અત્યાર સુધીમાં બે વખત ઘટાડવામાં આવેલી પ્રવેશની લાયકાત પછી પણ જે વિદ્યાર્થીઓ પ્રવેશને લાયક બન્યા નહોતા તે પૈકી જેઓ હવે નીટમાં 5 પર્સન્ટાઇલ ધરાવતાં હોય તેમને પણ પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. ઘટાડેલી લાયકાત સાથે હવે નવેસરથી રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ગુજરાતમાં પણ ખાલી 26 બેઠકો માટે 5 પર્સન્ટાઇલ ધરાવતાં વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટે રજિસ્ટ્રેશન અને પ્રવેશની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સ્થાનિક બેઠકો માટે કાર્યવાહી કરવામાં આવશે.