પાટીલની પ્રમુખપદેથી વિદાય બાદ પણ મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો પ્રભાવ
પાંચ મંત્રીઓ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીનું પદ પણ મળ્યું
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની વિદાય બાદ રચાયેલા ગુજરાતના નવા મંત્રી મંડળમાં પણ દક્ષિણ ગુજરાતનો દબદબો યથાવત રહ્યો છે. અગાઉના મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતના પાંચ મંત્રીઓ હતા તે સંખ્યાબળ યથાવત રહ્યું છે તેની સાથે પહેલી વખત સુરતને નાયબ મુખ્યમંત્રીનું પદ મળ્યું છે. મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમના કાર્યાલય બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
દક્ષિણ ગુજરાતના બે મંત્રીઓ કપાયા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી જ અન્ય બે મંત્રીનો ઉમેરો થતા સંખ્યાબળ પાંચ જ રહ્યું છે પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો હતો જોકે, તેમની વિદાય બાદ નવા મંત્રી મંડળની રચના થઈ તેમાં સી.આર. પાટીલની નજીક ગણાતા મુકેશ પટેલની બાદબાકી થઈ ગઈ છે. તેની સાથે કુંવરજી હળપતિ માંડવીના ધારાસભ્યની પણ બાદબાકી થઈ છે. જોકે, નવા મંત્રી મંડળમાં નિઝરના જયરામ ગામીતને સ્થાન મળ્યું છે.
અને મુકેશ પટેલની જગ્યાએ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને સ્થાન મળ્યું છે. ગુજરાત સરકારમાં પહેલા નંબર ટુનું સ્થાન નાણાં મંત્રી કનુ દેસાઈનું હતું તેમને રીપીટ કરવામા આવ્યા છે આ સાથે જ કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયાને પણ રીપીટ કરવામાં આવ્યા છે. આ મંત્રી મંડળમાં મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીના કારણે ગુજરાત સરકારમાં સુરતનું સ્થાન વધુ મજબૂત બન્યું છે. મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને પ્રમોશન આપી નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે.