જામનગરની નયારા રિફાઇનરી પર યુરોપિયન યુનિયનનો પ્રતિબંધ
યુક્રેન સાથેનું યુધ્ધ અટકાવવા રશિયન કંપનીની ભાગીદારીવાળી રિફાઇનરીને નિશાન બનાવાઇ, ભારતનો સખત વિરોધ
રશિયા અને યુક્રેન યુધ્ધ અટકાવવા માટે યુરોપિયન સંઘ દ્વારા રશિયા ઉપર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે ભારતના જામનગર નજીક વાડીનાર ખાતે આવેલી રશિયન કંપની રોઝનેફટના હિસ્સાવાળી નાયરા રિફાઇનરી ઉપર પ્રતિબંધ લાદયો છે. બીજી તરફ ભારતે યુરોપિયન યુનિયનના આ પગલાનો વિરોધ નોંધાવી જણાવેલ છે કે, આ પગલુ અમને કોઇપણ સંજોગોમાં માન્ય નથી.
રશિયાની અગ્રણી એનર્જી કંપની રોઝનેફ્ટની જામનગર ખાતેની રિફાઇનરી પર પણ પ્રતિબંધ મૂકાયા છે. રોઝનેફ્ટ નાયરા એનર્જી (અગાઉ એસ્સાર ઓઇલ)માં 49.13 ટકા હિસ્સો ધરાવે છે. નાયરા ગુજરાતમાં વાડીનાર ખાતે ઓઇલ રિફાઇનરી તેમજ 6,750થી વધુ પેટ્રોલ પંપ ધરાવે છે. રશિયા માટે હવે કોઇ બીજા દેશો મારફત પરોક્ષ રીતે ક્રૂડ ઓઇલની નિકાસ કરવાનું પણ મુશ્કેલ બનશે, કારણ કે આ અંગેની છટકબારીઓને બંધ કરવા માટે નવા આયાત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
યુરોપના વિદેશ નીતિના વડા કાજા કલ્લાસે જણાવ્યું હતું કે સંદેશ સ્પષ્ટ છે કે યુરોપ યુક્રેનને ટેકો આપવામાં પાછળ નહીં હટે. રશિયા તેનું યુદ્ધ સમાપ્ત ન કરે ત્યાં સુધી EU દબાણ વધારતું રહેશે. રશિયા સામેના આ સૌથી વધુ આકરા પ્રતિબંધો પૈકીના એક છે. યુરોપિયન દેશો યુક્રેન માટે યુએસ શસ્ત્રો ખરીદવાનું શરૂૂ કરી રહ્યાં છે ત્યારે આ નવા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કીએ તેને સમયસર અને જરૂૂરી પગલાં ગણાવીને આવકાર્યા હતાં. જોકે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે EUના આ પગલાની નિંદા કરતાં જણાવ્યું હતું
કે અમે આવા એકપક્ષીય પ્રતિબંધોને ગેરકાયદેસર માનીએ છીએ.
દરમિયાન યુકેએ રશિયાની લશ્કરી ગુપ્તચર એજન્સી GRUના એકમો પર પ્રતિબંધો લાદ્યા હતાં. પ્રતિબંધિત અધિકારીઓની યાદીમાં રશિયાના નવા 18 અધિકારીઓનો પણ સમાવેશ કરાયો છે. આ અધિકારીઓએ 2022માં દક્ષિણ યુક્રેનમાં એક થિયેટરમાં બોમ્બ હુમલાની યોજના બનાવવામાં અને ભૂતપૂર્વ રશિયન જાસૂસના પરિવારને નિશાન બનાવવામાં મદદ કરી હોવાનો યુકેનો દાવો છે. યુકેના વિદેશ પ્રધાન ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે GRU જાસૂસો યુરોપને અસ્થિર કરવા, યુક્રેનની સાર્વભૌમત્વને નબળી પાડવા અને બ્રિટિશ નાગરિકોની સલામતીને જોખમમાં મૂકવાનું અભિયાન ચલાવી રહ્યા છે.
બીજી તરફ ભારતના વિદેશ મંત્રાલયે યુરોપિયન યુનિયનના રશિયા પર પ્રતિબંધ મૂકવાના એકપક્ષીય પગલા સામે સખત વિરોધ નોંધાવ્યો હતો અને તેને ઊર્જા વેપારમાં તેના બેવડા ધોરણોને ગણાવ્યા હતા. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક્સ પર કહ્યું હતું કે અમે જવાબદાર દેશ છીએ અને અમારી કાયદેસરની જવાબદારીઓ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છીએ. તેમણે એક નિવેદનમાં વધુ ઉમેર્યું હતું કે પભારત સરકાર તેના નાગરિકોની મૂળભૂત જરૂૂરિયાતોને પૂર્ણ કરવા માટે ઊર્જા સુરક્ષાની જોગવાઈને અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી માને છે. અમે કહીએ છીએ બેવડા ધોરણો ન હોવા જોઇએ ખાસકરીને આ મામલે ઊર્જાના વેપારને લગતો હોય.
20 બિલિયન ડોલરમાં રીફાઇનરીનો રિલાયન્સ સાથેનો સોદો અટકી પડશે
ગુજરાતમાં વાડીનાર ખાતે આવેલ રીફાઇનરી રશિયન કંપની રોઝનેફટ અને તેના પાર્ટનર ટ્રાફીગુરા-યુનાઇટેડ કેપીટલ પાર્ટનર્સ દ્વારા 2017માં 12.9 બીલીયન ડોલરમાં ખરીદાઇ હતી. જેમાં રોઝનેફટની ભાગીદારી 49.1 ટકા છે. આ કંપની તેનો હિસ્સો 20 બિલીયન ડોલરમાં રિલાયન્સને વેચવા માટે વાટાઘાટો કરી રહી હતી. પરંતુ યુરોપીયન યુનિયન દ્વારા ખરીદ ભાવમાં લીમીટ મુકી દેવાતા હવે આ સોદો પાર પડવા અંગે પણ શંકાઓ સેવાઇ રહી છે. હવે નવા ખરીદનારને આ રીફાઇનરીમાંથી મળતા નફામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. તેથી રીલાયન્સ પણ પીછેહઠ કરે તેવી સંભાવના છે.