શ્રીનાથજી સોસાયટીના એસ્ટેટ બ્રોકર અને મેટોડામાં ચોકીદારને હાર્ટએટેક ભરખી ગયો
પ્રૌઢ અને વૃદ્ધના હૃદય ધબકારા ચૂકી જતાં પરિવારમાં ગમગીની
રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોના મોત નિપજ્યા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. શ્રીનાથજી સોસાયટીમાં રહેતા એસ્ટેટ બ્રોકર પ્રૌઢ અને મેટોડા જીઆઈડીસીમાં ચોકીદાર વૃદ્ધને હાર્ટએટેક ભરખી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ મવડી પ્લોટમાં શ્રીનાથજી સોસાયટી શેરી નં. 3માં રહેતા અને જમીન મકાન લે-વેચનું કામ કરતા રમેશભાઈ કરશનભાઈ કુંભારવાડીયા (ઉ.વ.52) નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢ બે ભાઈમાં નાના અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે બીજા બનાવમાં મેટોડા જીઆઈડીસીમાં ક્રિષ્ના સોસાયટીમાં રહેતા અને મેટોડામાં આવેલી રમસોન કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા ઉગાભાઈ કરશનભાઈ ચાંડ્યા (ઉ.વ.63) નામના વૃદ્ધ ગઈકાલે બપોરે કંપનીમાં ચોકીદારીની નોકરી પર હતાં. ત્યારે બેભાન થઈ ઢળી પડતા તેમને પ્રથમ મેટોડા બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોિસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ અહીં તેમનું મોત નિપજ્યું હતું. હાર્ટ એટેક આવી જતાં મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતક સાત ભાઈ ચાર બહેનમાં વચેટ હતાં તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.