બર્ધન ચોકમાંથી દબાણો દૂર કરતી એસ્ટેટ શાખા
ટ્રાટફિકને અડચણરૂપ 7 પથારા, રેકડી કબજે: 15 વાહનો ડિટેઇન કરાયા
જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં તહેવારોને અનુલક્ષીને આજે મોડી સાંજે ટ્રાફિક શાખા, સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ અને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સંયુક્ત રીતે દબાણ દૂર કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરબારગઢ સર્કલથી માંડવી ટાવર સુધીના ભાગમાં પોલીસ અને એસ્ટેટ શાખા ની સંયુક્ત કામગીરીને લઈને ધંધાર્થીઓમાં નાસભાગ થઈ ગઈ હતી. ઉપરોક્ત વિસ્તારમાં ટ્રાફિકને અડચણ રૂૂપ હોય એવા 7 પથારા કબજે કરી લેવાયા હતા, જ્યારે 1 રેકડી પણ કબજે કરી લઈ જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિકને અડચણરૂૂપ રીતે રાખવામાં આવેલા 15 વાહનો પણ ટ્રાફિક શાખા દ્વારા ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા.
જામનગરના સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા ખુદ ટ્રાફિક ઝુંબેશનમાં જોડાયા હતા, અને તેઓની સાથે સિટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. આ ઉપરાંત જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારી યુવરાજસિંહ ઝાલા અને તેની ટીમ આ ઝુંબેશમાં ખડે પગે રહી હતી, જયારે ટ્રાફિક શાખાના પી.આઇ. એમ. બી. ગજ્જરની સૂચનાથી પી.એસ.આઇ. કંડોરિયા અને ટ્રાફિક શાખાની ટીમ પણ સંયુક્ત રીતે ઝુંબેશ માં જોડાઈ હતી, અને દરબારગઢ સર્કલથી માંડવી ટાવર સુધીનો રસ્તો ખુલ્લો કરાવી દેવાયો હતો.
જેથી સીટી બસ સહિતના અનેક વાહનો સાંજના સમયે સરળતાથી પસાર થઈ ગયા હતા. દિવાળીના તહેવારને અનુલક્ષીને લોકોની ખરીદી માટે ખૂબ જ ભીડ રહે છે, ત્યારે પોલીસ તેમજ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.