રોગચાળાએ માઝા મૂકી: વધુ એક યુવાનને તાવ ભરખી ગયો
માધાપરનો બનાવ: બે દિવસ તાવની બીમારીમાં સપડાયેલા યુવાને દમ તોડ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ અનેક માનવ જિંદગી રોગચાળાના કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે માધાપર ગામે બે દિવસથી તાવની બીમારીમાં સપડાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં માધાપર ગામે રહેતા મહેન્દ્ર જીવણભાઈ મકવાણા નામનો 37 વર્ષનું યુવાન રાત્રિના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક મહેન્દ્ર મકવાણા બે ભાઈમાં મોટો અને અપરિણીત હતો. મહેન્દ્ર મકવાણા બે દિવસથી તાવની બીમારીમાં સપડાયા બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.