રાજકોટમાં રોગચાળો વકર્યો, કમળાથી આધેડનું મોત
રાજકોટમાં મિશ્ર વાતાવરણ વચ્ચે રોગચાળાએ માજા મકી હોય તેમ તાવ, શરદી, ઉધરસ, ડેંગ્યુ, મેલેરિયા સહિતનો રોગચાળો વકર્યો છે ત્યારે કમળાએ પણ માથુ ઉચકયું હોય તેમ સામાકાંઠે દૂધસાગર રોડ પર રહેતા આધેડનું કમળાની બિમારીથી મોત નિપજતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.જાણવા મળતી વિગત મુજબ સામાકાંઠે દૂધસાગર રોડ પર આવેલા શિવાજીનગર શેરી નં.7માં રહેતા મુકેશભાઈ રાણાભાઈ સારીયા (ઉ.42) નામના આધેડને કમળાની બિમારી થતાં અગાઉ તેઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
બાદમાં છેલ્લા આઠ દિવસથી ઘરે સારવારમાં હતાં. દરમિયાન આજે બપોરે તેઓ બિમારી સબબ બેભાન થઈ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમને ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ બે ભાઈ ત્રણ બહેનમાં મોટા અને મજુરી કામ કરતાં હોવાનું તથા તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. કમળાની બિમારીથી મોત નિપજતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.