જૂના એરપોર્ટ નજીકની સોસાયટીઓમાં રોગચાળાનો ખતરો
તંત્રની આળસના કારણે ગંદકીના ગંજ, સફાઈ નહીં થતા ગાંડી વેલ અને જીવજંતુ, ઝેરીલા સાપનો વસવાટ, મૃત ઉંદરો વરસાદી પાણીમાં તણાઈ વિસ્તાર સુધી આવી જતા હોવાની ફરિયાદ
અમદાવાદ હાઇવે પર હિરાસર નજીક નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવતા અને તેનુ સંચાલાન પણ શરૂ થયુ ગયુ છે. ત્યારે જામનગર રોઠ પર આવેલા જૂનુ એરપોર્ટ ધણીધોણી વગરનું થઇ ગયુ છે. આ એરપોર્ટની જગ્યા અવાવરૂ બની ગઇ છે અને તંત્ર દ્વારા ત્યાં કોઇપણ પ્રકારની કામગીરી નહીં થતા ગાંડીવેલનું સ્રામાજ્ય ખડકાય ગયુ છે. સાપ સહિતના ઝેરીલા જંતુઓના રાફડો ફાટ્યો છે. તેમજ વરસાદી પાણીમાં ઉંદરો તણાયને આવતા હોવાથી જૂના એરપોર્ટ નજીકની સોસાયટીઓમાં પ્લેગ જેવી ભયંકર બિમારી ફેલાવવાનો ખતરો મંડરાય રહ્યો છે.
આ અંગે રંગ ઉપવન સોસાયટીમાં રહેતા અરજદાર અરવિંદભાઇ જણાસીએ જણાવવાનું કે, હું મારા પરિવાર સાથે ઉપરોક્ત સરનામે રહું છું. રાજકોટ શહેરનાં નવા એરપોર્ટની શરૂૂઆત પછી શહેરની વચ્ચે આવેલ જુના એરપોર્ટનું સાફ - સફાઈ બાબતે કોઇના દ્વારા ધ્યાન રાખવામાં આવતું નથી. હાલમાં ચોમાસાની ઋતુ અને અવાવરુ જમીન હોવાથી એરપોર્ટમાં ગાંડી વેલ અને અન્ય બિનઉપયોગી વન્સ્પતિનું આખુ જંગલ બની ગયું છે.
અને હવે તે ગાંડી વેલ અમો આસપાસનાં રહેવાસીઓનાં ઘરમાં પણ આવી ગઈ છે. આ ગાંડી વેલ અને વર્ષોથી અવાવરી પડેલી એરપોર્ટની જમીન ઝેરી સાપ, નોળિયા અને મોટા મોટા ઉંદરોનું નિવાસ સ્થાન બની ગયુ છે. અને આવા ઝેરી અને નુકશાન કરતાં જીવજંતુઓનો અમો આસપાસના રહેવાસી ભોગ બની રહ્યા છીએ. નાના બાળકો શેરીમાં રમતા હોય ત્યારે ઝેરી સાપ તેમને ડંખ મારી લે તેવો ભય સતત વાલીઓને રહે છે.
મોટાં મોટાં મરી ગયેલા ઉંદરો જો એરપોર્ટની અવાવરી જગ્યાએ પડયા રેહશે અને ચોમાસાના વરસાદમાં પલળી અને કોહવાય જાય તો પ્લેગ જેવાં ભયાનક રોગનો ખતરો પણ સતત અમો આસપાસનાં રહેવાસીઓને રહે. આ પ્રશ્ન એરપોર્ટની ફરતે જેટલાં વિસ્તારો છે તે દરેક જગ્યાએ છે. આખા એરપોર્ટની ફરતે ગાંડી વેલ પોતાનો કબ્જો જમાવી રહી છે અને એરપોર્ટની અવાવરી જમીન ઝેરી સાપ અને પ્લેગ જેવો ભયાનક રોગ ફેલાવનાર ઉંદરોનું રાજકોટ શહેરની વચ્ચે અધિકારીઓની બેજવાબદારીના કારણે કાયમી નિવાસ સ્થાન બની રહ્યુ છે. કોરોના પછી હવે રાજકોટ શહેર પ્લેગનું એપી સેન્ટર બની શકે તેવી પૂરે પૂરી તૈયારી રાજકોટ મ્યુનિસિપાલટી અને અન્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી હોય તેવું લાગે છે.
અંતમાં અરજદારે જણાવ્યુ હતુ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે આ વિસ્તારની મુલાકાત લેવામાં આવે અને જૂના એરપોર્ટ અંદર અને બહાર સાફ સફાઇ કરી મૃત જનાવરોનો નિકાલ કરવામાં આવે તેમજ ગાંડી વેલ પણ દૂર કરવામાં આવે. જો વહેલી તકે સફાઇ નહીં થાય તો આગામી દિવસોમાં શહેર ભરમાં ભયંકર બિમારી ફેલાવવાનો ખતરો મંડરાય રહ્યો છે.