શહેરમાં ચાંદીપુરા વાઈરસની એન્ટ્રી: 11 વર્ષની બાળકી દાખલ
દાહોદથી 1 મહિના પૂર્વે મોટામવામાં આવેલ પરિવારની બાળકીને ચાંદીપુરાના લક્ષણો દેખાયા: સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં પાંચ દર્દી દાખલ જેમાં બે પોઝિટિવ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રબાદ રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે.રાજકોટનાં મોટામવામાં રહેતા એક પરિવારની 11 વર્ષની બાળકીને ચાંદીપુરાના લક્ષણો દેખાતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જેના રિપોર્ટ પુના ખાતે મોકલવામાં આવ્યા છે. તાજેતરમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના છ જેટલા શંકાસ્પદ દર્દીઓના મોત થયા છે ત્યારે આ મામલે તંત્ર એલર્ટ થઈ ગયું છે.
સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં હાલ પાંચ દર્દીઓ દાખલ છે જેમાં ત્રણ શંકાસ્પદ અને બેના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે નવો એક કેસ રાજકોટમાં શહેરમાં જોવા મળ્યો છે. જેમાં 11 વર્ષની એક બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. જ્યાં પ્રાથમિક તપાસમાં આ 11 વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતાં તેને તાત્કાલીક સ્પેશ્યલ વોર્ડમાં ખસેડી સારવાર કરવામાં આવી છે અને તેના બ્લડ સેમ્પલ પુના ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
જો કે હાલ આ 11 વર્ષની બાળકીની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે. મોટામવામાં રહેતા આ પરિવાર એક મહિના પૂર્વે જ દાહોદથી રાજકોટ આવ્યો હોય અને આ બાળકીની તબિયત બગડતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા બાદ તેને ચાંદીપુરાના લક્ષણો હોવાનું જાણવા મળ્યું હતું.
રાજકોટ જિલ્લાના ગોંડલ, પડધરી તેમજ મોરબી અને ઉપલેટામાં ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા બાદ રાજકોટ શહેરના મોટામવા વિસ્તારમાં ચાંદીપુરા વાયરસનો આ કેસ નોંધાતા મહાનગરપાલિકાના સત્તાધિશો પણ સતર્ક બની ગયા છે અને આ મામલાને લઈને મોટામવા વિસ્તારમાં જરૂરી દવાનો છંટકાવ સહિતની કામગીરી શરૂ કરી છે. સિવિલ હોસ્પિટલમાં રાજકોટ જિલ્લા ઉપરાંત મોરબીના કુલ પાંચ બાળકો દાખલ છે જેમાં બેના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.