સોમનાથ ખાતેના દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ
ગીર સોમનાથ જિલ્લામાં પવિત્ર યાત્રા સ્થળ એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના દર્શને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતાં હોય છે. મંદિરના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ સમુદ્રની ભૌગોલિક પરિસ્થતિથી અજાણ હોવાના કારણે સમુદ્રમાં સ્નાન કરવા જતા ડૂબી જવાના બનાવો વારંવાર બને છે.
શ્રી સોમનાથ મંદિર ખાતે આવેલા દરિયામાં તણાઈ જવાના, સ્નાન કરવા જતા ડૂબી જવાના કે અન્ય રીતે માનવ મૃત્યુના બનાવો બનતા અટકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી સમુદ્રના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ સમુદ્ર કિનારો પ્રથમ દ્રષ્ટિએ છીછરો દેખાય છે પરંતુ થોડા અંદર જતા સમુદ્રમાં મોટા અને વજનદાર ખડકાળ પથ્થરો છે. જેથી સમુદ્રમાં સ્નાન કરનાર વ્યક્તિ સહેલાઈથી બહાર આવી શકતો નથી અને અરબી સમુદ્રના મોજા વાંકાચૂંકા અને ઘાતક નીવડે છે.
જેથી, શ્રી સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં, સોમનાથ મંદિરની પૂર્વ-પશ્ચિમ બન્ને સાઈડમાં આશરે ચાર કિ.મીના વિસ્તારમાં સમુદ્ર કાંઠે કોઈપણ વ્યક્તિએ સમુદ્રમાં સ્નાન કરવા જવું નહીં કે સમુદ્રના ઉંડા પાણીમાં પ્રવેશ કરવો નહીં. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.
ફરજના ભાગરૂૂપે સરકારી ખાતાના કર્મચારી/અધિકારીઓએ કાર્યવાહી કરવાની થતી હશે તો તેમને આ હુકમની જોગવાઈઓ લાગુ પડશે નહીં અને આ જાહેરનામું તા. 20-06-202પથી 60 દિવસ સુધી અમલમાં રહેશે.