સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D. માટેની એન્ટ્રેસ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાના અંતે શરૂ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી Ph.D. ની એન્ટ્રેસ પરીક્ષા બંધ કરી દેવામાં આવી હતી. તેનો તાજેતરમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ કરતાં સત્તાધીશોએ નમતું મુકયું હતું અને એન્ટ્રેસ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં આજથી તા.22 ઓગસ્ટ સુધી ઉમેદલારો પરીક્ષા માટેનાં ફોર્મ ઓનલાઈન ભરી શકશે.
NET-GSET પાસ થયેલા વિદ્યાર્થીઓ ન હોય તેવા વિષયોમાં એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે, પ્રવેશ પરીક્ષાની તારીખ હવે જાહેર થશે, પરંતુ યુનિવર્સિટી માટે 105 સીટની જ જાહેરાત કરી છે જેમાં માત્ર યુનિવર્સિટીના પ્રોફેસરોની જ ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. બીજીબાજુ જુના ગાઈડ અને કોલેજના પ્રોફેસરોની અવગણના કરવામાં આવતા વિરોધ જોવા મળ્યો છે. એક સમયે આશરે 300 સીટ પર પ્રવેશ પ્રક્રિયા થતી હતી તે હવે માત્ર 105 સીટ પણ થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2025 માટે પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાની જાહેરાત આપવામાં આવી છે. આ જાહેરાતમાં ખાલી બેઠકોની સંખ્યા 96 અને ફાર્મસીની 9 સીટ દર્શાવી છે. માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકો જ હવે પીએચ.ડી. માટે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવી શકે. હાલમાં યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજના અધ્યાપકો, આચાર્યોને માર્ગદર્શક તરીકે સમાવિષ્ટ કર્યા નથી. છેલ્લા થોડા સમયથી અધ્યાપક સહાયકોને અથવા નવા અધ્યાપકોને અનુસ્નાતક શિક્ષક તરીકે માન્યતા આપવામાં આવતી નથી.
વધુમાં નવા અધ્યાપકોને પીએચ.ડી. માર્ગદર્શક પણ બનાવવામાં આવતા નથી. અધ્યાપકોની શૈક્ષણિક કારકિર્દીના વિકાસ માટે, અનુસ્નાતક શિક્ષકની માન્યતા પણ આપવી જોઈએ અને પીએચ.ડી. માર્ગદર્શક પણ બનાવવા જોઈએ તેવું શિક્ષણવિદોનું માનવું છે.
આ વર્ષે યુનિવર્સિટીના પ્રોફેસરોની બેઠકો પર જ પ્રવેશ આપવાના હોવાનું સામે આવ્યું છે. જ્યારે જૂના ગાઈડ કે જેમના માર્ગદર્શનમાં હાલ ઘણા વિદ્યાર્થી પીએચ.ડી. કરી જ રહ્યા છે તેમની ખાલી સીટોની ગણતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત કોલેજના પ્રોફેસરો, આચાર્યોની અવગણના કરાતા આ અંગે પ્રોફેસરો અને આચાર્યોનું મંડળ પણ આગામી દિવસોમાં કુલપતિને રજૂઆત કરવાના હોવાનું જાણવા મળ્યું છે.