આત્મીય કોલેજના એન્જિનિયરિંગનો છાત્રનો એટીકેટી આવતા ગળેફાંસો ખાઇ આપઘાત
બપોરે માતા રૂમમાં ગયા તો પુત્ર લટકતો હતો, પરિવારમાં શોક
આજી ડેમ વિસ્તારમાં રહેતા અને આત્મીય કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં યુવકનો કોલેજના બીજા વર્ષમાં ઓછા ગુણ આવતા પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું છે. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના આજી ડેમ વિસ્તારમાં શ્યામકિરણ સોસાયટી શેરી નં.2માં રહેતા મીતભાઈ મુકેશભાઈ વાઘેલા (ઉં.વ.19) નામના યુવકે પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજી ડેમ પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ પૂછપરછ હાથ ધરી છે.
બનાવ અંગે મૃતકના પિતા મુકેશભાઈ જણાવે છે કે, મીત તેમના બે પુત્રમાં મોટો પુત્ર છે અને તે આત્મીય કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. કોલેજના બીજા સેમેસ્ટરની પરીક્ષામાં તેને એટીકેટી આવી હતી. બપોરે બારેક વાગ્યા આસપાસ મીતના માતા સ્નાન કર્યા બાદ રૂૂમમાં આવ્યા, ત્યારે પુત્રને લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ થઇ ગયા હતા. મીતનો સ્વભાવ સરળ અને મળતાવડો હતો.તેથી તેણે ક્યાં કારણસર આપઘાત કર્યો હશે.તે અંગે પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે.જો કે, યુવકને કોલેજના બીજા વર્ષમાં એટીકેટી આવી હોવાથી અંતિમપગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.