રૈયામાં 15 કરોડની સરકારી જમીન પરથી દબાણો હટાવાયા
20 વર્ષથી ઉભેલા પાંચ દુકાનો, બે ફિલ્ટર પ્લાન્ટ, પાંચ ગોડાઉનો પર બુલડોઝર ફર્યુ
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની સૂચના અને પ્રાંત અધિકારી ડો. ચાંદની પરમારના માર્ગદર્શન હેઠળ રાજકોટ પશ્ચિમ મામલતદાર અજિત જોશી અને તેમના સ્ટાફ દ્વારા આજે વહેલી સવારે રૈયા વિસ્તારમાં આવેલી આશરે 3000 ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણો હટાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. આ જમીનની અંદાજિત કિંમત રૂૂ. 15 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.રૈયાના સરકારી સર્વે નંબર 318 માં શીતલ પાર્કથી રૈયાધાર તરફ જવાના રસ્તા પર આ દબાણો છેલ્લા 20 વર્ષ કરતાં પણ વધુ સમયથી હતા. આ દબાણોમાં પાંચ જેટલી દુકાનો, બે ફિલ્ટર પ્લાન્ટ અને પાંચ જેટલા ગોડાઉનનો સમાવેશ થતો હતો, જે તમામ વાણિજ્યિક હેતુ માટે ઉપયોગમાં લેવાતા હતા.
દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં, તેમના દ્વારા જગ્યા ખાલી કરવામાં આવી ન હતી. આથી, આજે વહેલી સવારે પશ્ચિમ મામલતદારની ટીમ દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ ડિમોલિશન કામગીરી દરમિયાન પશ્ચિમ મામલતદાર અજિત જોશી, સર્કલ ઓફિસર સહિતના અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.