વીજળીને આવશ્યક સેવા જાહેર કરાઇ, કર્મચારીઓની હડતાળ ઉપર પ્રતિબંધ
છાશવારે અપાતી હડતાળની ધમકીઓ બાદ સરકારનું પગલું
ગુજરાતમાં ઉર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ હવે પોતાની માગણીઓના સંદર્ભે હડતાલ પર નહીં જઈ શકે. રાજ્ય સરકારે આ બાબતે ખાસ આદેશ જાહેર કર્યો છે. ગુજરાત સરકારે ઉર્જા ઉત્પાદન, ટ્રાન્સમિશન, વિતરણ અને વેપાર સાથે જોડાયેલા રોજગારને આવશ્યક સેવા તરીકે જાહેર કરી છે.
રાજ્ય સરકારના આદેશ અનુસાર, ઉર્જા સાથે સંકળાયેલા ઉદ્યોગોમાં હડતાલથી દૈનિક આવશ્યક સેવાઓ પર પ્રતિકૂળ અસર પડે છે, જે સામાન્ય જનતાને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ નિયમ ગુજરાત આવશ્યક સેવા જાળવણી અધિનિયમ 1972 હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. સત્તાવાર જાહેરનામા અનુસાર, આ નિયમ 14મી માર્ચ 2025થી છ મહિના સુધી લાગુ રહેશે.
આ પગલાનું મુખ્ય હેતુ ઊર્જા અને વિજળી સેવાઓના વ્યવસ્થિત સંચાલનને સુનિશ્ચિત કરવો છે અને વિક્ષેપને રોકવો છે. ઉર્જા વિભાગના આદેશ અનુસાર, વીજળીના ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વેચાણ સાથે જોડાયેલા કર્મચારીઓ કે કામદારોને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવાની રહેશે અને સેવા સંદર્ભમાં કોઈ વિક્ષેપ કરવો નહીં.આ નિયમનો ઉદ્દેશ વીજળી પુરવઠાને પ્રભાવિત થવાથી બચાવવાનો છે અને સમાજના હિત માટે આવશ્યક સેવાઓને પ્રોત્સાહન આપવાનો છે.
ઉલ્લેખનીય છે કે આવશ્યક સેવા જાળવણી અધિનિયમમાં એ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે જે લોકોને સીધી અસર કરે છે અને આ સેવાઓમાં હડતાલને કારણે ઘણી જરૂૂરી સેવાઓ પ્રભાવિત થાય છે. ગુજરાતમાં વીજ કર્મચારીઓના વિવિધ યુનિયનો દ્વારા છાસવારે હડતાલની ચીમકી આપવામાં આવતી હોય, સરકાર દ્વારા હવે વીજળીને આવશ્યક સેવા જાહેર કરી દેવામાં આવતા હડતાલને બ્રેક લાગશે.