સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ડિસેમ્બરમાં ચૂંટણી
80 નગરપાલિકા, બે જિલ્લા પંચાયત, 17 તાલુકા અને 4765 તાલુકા પંચાયતોમાં નવા અનામત ક્વોટા મુજબ ચૂંટણીની તૈયારી
રાજ્યની 80 નગરપાલિકા, ખેડા-બનાસકાંઠા એમ 2 જિલ્લા પંચાયતો, 17 તાલુકા પંચાયતો અને 539 જેટલી વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલી નવી ગ્રામ પંચાયતો સહિત કુલ 4765 ગ્રામ પંચયાતોની છેલ્લા બે વર્ષથી બાકી રહેલી ચૂંટણીઓ ઉપરાંત અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્યોના રાજીનામા કે મૃત્યુને કારણે ખાલી પડેલી બેઠકો પર આગામી નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં યોજાય તે દિશામાં રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી છે.
ગુજરાતમાં આ વખતે પ્રથમવાર 27 ટકાની ઓબીસીની અનામત બેઠકો સાથે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત એસસીની 7 ટકા અને એસટીની 14 ટકા અનામત સાથે કુલ 48 ટકા અનામત બેઠકો તથા બાકી રહેતી 52 ટકા જનરલ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચ ઓગષ્ટ માસના મધ્ય કે અંત સુધીમાં જાહેરનામું બહાર પાડશે ત્યારબાદ એક મહિનાની મુદતમાં લોકોના વાંધા-સૂચનો મગાવાશે. અર્થાત સપ્ટેમ્બર-2024ના અંત સુધીમાં આ પ્રક્રિયા આટોપીને ચૂંટણીની જાહેરાત કરાશે. એવી જ રીતે વિસાવદર અને વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર પણ ચૂંટણી યોજાય તેવી સંભાવના છે.
પ્રાપ્ત વિગતો મુજબ, હાલમાં રાજ્ય ચૂંટણી કમિશનર તરીકે બીજી, સપ્ટેમ્બ-20219થી નિવૃત્ત આઈએએસ ઓફિસર સંજયપ્રસાદ સેવારત છે પરંતુ હવે બીજી સપ્ટેમ્બર-2024ના રોજ તેમના હોદ્દાની 5 વર્ષની મુદત પૂરી થાય છે. રાજ્ય ચૂંટણી કમિશનરની મુદત પૂરી થયા બાદ તેમના હોદ્દાની મુદતમાં કોઈ વધારો (એક્સટેન્શન) અપાતું નથી એટલે કે બીજી સપ્ટેમ્બર-2024ના રોજ હાલના રાજ્ય ચૂંટણી પંચના કમિશનર નિવૃત્ત થશે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, જો ચૂંટણી કમિશનર જ નિવૃત્ત થઈ જશે તો ચૂંટણી યોજવાની જવાબદારી કોના શિરે હશે? તો રાજ્ય સરકારે હવે સંજયપ્રસાદની નિવૃત્તિ અગાઉ કોઈ નવા રાજ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ કરવી પડશે. જોકે, 31મી જુલાઈ-2024ના રોજ રાજ્ય સરકારે જે 17 આઈએએસ ઓફિસરોની બદલી કરી છે કે નવી જવાબદારીઓ સોંપી છે. તેમાં ખાસ કરીને આદિજાતિ વિકાસ વિભાગના અગ્રસચિવ તરીકે કાર્યરત 1998 બેંચના ઓફિસર ડો. એસ. મુરલી ક્રિષ્નાને રાજ્ય ચૂંટણી પંચના કમિશનરના ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિયુક્તિ આપી છે ત્યારે એમ મનાય છે કે, હાલના રાજ્ય ચૂંટણી પંચના કમિશનરની નિવૃત્તિ બાદ સપ્ટેમ્બરમાં એસ. મુરલી ક્રિષ્નાને રાજ્ય ચૂંટણી પંચના કમિશનર તરીકેની જવાબદારી સોંપાય તેવી શક્યતા નકારી શકાતી નથી.ગુજરાતમાં આ ચૂંટણીઓ ન થવાનું મુખ્ય કારણ એ હતું કે, અહીં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસીને 10 ટકા અનામત બેઠકો અપાતી હતી, પરંતુ આ અનવામત નક્કી કરવા માટે સરકારે હાઈકોર્ટના નિવૃત ન્યાયધીશ કે.એસ.ઝવેરીના અધ્યક્ષ સ્થાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઘઇઈ માટેની અનામત બેઠકો નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના કરી હતી.
જેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરી દીધો છે અને તેની ભલામણો મુજબ સરકારે ઘઇઈની અનામત બેઠકો 10 ટકાથી વધારીને 27 ટકા કરવાનો નિર્ણય પણ જાહેર કરી દીધો છે. આ પંચના અહેવાલના આધારે (1) ગુજરાત પંચાયત અધિનિયમ-1993 (2) ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 (3) ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ-1994માં સુધારા કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીત પછાત વર્ગોને અનામત આપવા માટેના વિધેયકો પણ વિધાનસભામાં મંજૂર કરાવી લીધા છે અને તેને રાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી છે. આમ છતાં જે તે રાજકીય કારણોસર આ સંસ્થાઓમાં ચૂંટણીઓ થઈ શકી નથી અને અહીં વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામત
જાતિ અનામત
એસસી 7 ટકા
એસટી 14 ટકા
ઓબીસી 27 ટકા
કેટલી સંસ્થાઓની ચૂંટણી યોજાશે ?
સંસ્થા સંખ્યા
નગરપાલિકા 80
તાલુકા પંચાયત 17
જિલ્લા પંચાયત 02
ગ્રામ પંચાયતો 4765
વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલી નવી ગ્રામ પંચાયતો 539