જામજોધપુર અને કાલાવડ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
જામનગર જિલ્લાની જામજોધપુર નગરપાલિકા કાલાવડ નગરપાલિકા તેમજ ધ્રોળ નગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં જામજોધપુર અને કાલાવડ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે જાહેરાત કરવામાં આવી છે. અને બન્ને નગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણી થઈ છે. ધ્રોલ નગરપાલિકાની એક બેઠકની ચૂંટણી બાકી હોવાથી તે પૂર્ણ થયા બાદ હોદ્દેદારોની નિમણૂક થશે.કાલાવડ નગરપાલિકાના પ્રમુખ તરીકે રંજનબેન પ્રફુલભાઈ રાખોલીયા ની વરણી થઈ છે.
જ્યારે ઉપપ્રમુખ પદ માટે દયાબેન રમેશભાઈ ઝાપડા ની સર્વાનુંમતે વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે અશ્વિનભાઈ ઝિંઝુવાડીયા, શાસક પક્ષના નેતા તરીકે સુરેશભાઈ રામજીભાઈ સોલંકી, અને દંડક તરીકે ખમ્માબા સહદેવસિંહ જાડેજા ની પણ વરણી કરવામાં આવી છે.આ ઉપરાંત જામજોધપુર નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખની પણ વરણી કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખપદ માટે ઓ.બી.સી. મહિલા અનામત નું રોટેશન હોય અને પ્રમુખ પદ માટે કંચનબેન રમેશગીરી ગોસ્વામી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉપપ્રમુખ પદે દિલીપભાઈ જાવીયાની વરણી કરવામાં આવી છે. જેને સ્થાનિક અગ્રણીઓ દ્વારા આવકાર અપાયો છે.ધ્રોળ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન એક ઉમેદવારનું અવસાન થતાં એક બેઠકની ચૂંટણી બાકી રહી હતી. અને હવે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધ્રોળ નગરપાલિકાના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે.