ચૂંટણી ઈફેક્ટ: કરોડોના કામોને બ્રેક: મનપાના 152 ટેન્ડર ઘોંચમાં
- ઈમર્જન્સી અને ચાલુ કામમાં મુદત વધારાના કામને મંજૂરીની અપેક્ષાએ ચાલુ રખાશે
રાજકોટ શહેરમાં પ્રજાની જરૂરિયાત મુજબના તમામ પ્રકારના કામો આખુ વર્ષ દરમિયાન ચાલુ રહેતા હોય છે. પરંતુ લોકસભાની ચુંટણી જાહેર થતાં શનિવારથી આચારસંહિતા લાગુ પડતા મહાનગરપાલિકાએ પ્રસિધ્ધ કરેલા 152 ટેન્ડર ઘોંચમાં મુકાઈ ગયા છે. જેના કારણે પાયાની જરૂરિયાત વાળા કરોડો રૂપિયાના કામોને અઢી માસ સુધી બ્રેક લાગી ગઈ છે. છતાં ઈમરજન્સી અને ચાલુ કામોમાં મુદત વધારાના કામને મંજુરીની અપેક્ષાએ ચાલુ રખાશે તેમ જાણવા મળ્યું છે. છતાં રોડ-રસ્તા, ભુગર્ભગટર, પાણીની લાઈન સહિતના ટેન્ડરો આવી ગયા બાદ પણ વર્કઓર્ડર મળશે નહીં જેના કારણે અનેક લોકોને સુવિધાથી લાંબો સમય વંચીત રહેવાનો વારો આવશે.
મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે માસ દરમિયાન 152 ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. જે તેની મુદત મુજબ ભરાઈને પરત આવશે. જે પૈકી અમુક ડેન્ટરોની મુદત પૂર્ણ થતાં તૈયાર થઈ ગયા છે ત્યારે બાકી રહેતા ટેન્ડરોની મુદત થોડા થોડા સમયે પુરી થવાની છે. છતાં આ તમામ ટેન્ડરોનું કામ ચાલુ થઈ શકશે નહીં કારણ કે, લોકસભાની ચુંટણીની જાહેરાત થતાં આંચારસહિતા લાગુ પડી ગઈ છે. જેના કારણે નવા કામોને મંજુરી આપવામાં આવતી નથી. પરિણામે જે ટેન્ડર પ્રસિધ્ધ થયા છે. તે પૈકી મોટાભાગના ટેન્ડરો નવા પ્રોજેક્ટના હોવાથી હવે આ કામો આચારસંહિતા પૂર્ણ થાય ત્યાં સુધી શરૂ થવાના નથી. હાલ પ્રસિધ્ધ થયેલા ટેન્ડરો પૈકી અમુક ટેન્ડરો ડ્રેનેજની લાઈન તેમજ પીવાના પાણી માટેના ટ્રીટમેન્ટ પ્લાન તથા ઈએસઆર, જીએસઆર તેમજ ખાસ કરીને ડીઆઈ પાઈપલાઈન નાખવાની છે ત્યારે આ ટેન્ડરો ભરાઈને આવ્યા બાદ તેની દરખાસ્ત પણ તૈયાર થશે પરંતુ સ્ટેન્ડીંગ કમિટીની બેઠક અઢી માસ સુધી મળશે નહીં પરિણામે એક પણ કામને મંજુરી આપવામાં નહીં આવે જેના કારણે વર્કઓર્ડર ન મળતા આ કામો ચાલુ થવાના નથી આથી જે વિસ્તારોમાં ડીઆઈપાઈપલાઈન નાખવાની હોય અથવા નવી પાણીની નવી લાઈનો નાખવાની હોય તેવા વિસ્તારોએ હવે ભરઉનાળે અઢી માસ સુધી સમસ્યા ભોગવવી પડશે છતાં અમુક ટેન્ડરોના કામો મંજુરીની અપેક્ષાએ ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળેલ છે. મહાનગરપાલિકા દ્વારા હાલમાં પ્રસિધ્ધ થયેલ ટેન્ડરની પ્રક્રિયા 152 પર પહોંચી છે. અને અબજો રૂપિયાના કામો ટુંક સમયમાં શરૂ થવાના છે. પરંતુચૂંટણી આચારસંહિતાના કારણે તમામ કામો હવે અઢી માસ સુધી પેન્ડીંગ રહી જશે. જ્યારે ઝોનલ કોન્ટ્રાક્ટ કે જેમાં ડ્રેનેજ સહિતના નાના કામો ચાલુ હોય અને મુદતમાં વધારો કરવાનો હોય તેવા કામોને મંજુરીની અપેક્ષાએ ચાલુ રાખવામાં આવશે અને ખર્ચને બહાલી આપવામાં આવશે તેવી જ રીતે ઈમરજન્સીના કામોને પણ મંજુરીની અપેક્ષાએ વર્ક ઓર્ડર આપવામાં આવશે તેમ જાણવા મળેલ છે. છતાં રોડ રસ્તા ડ્રેનેજ, પીવાના પાણીની પાઈપલાઈન સહિતના પાયાની સુવિધાને લાગુ પડતા મોટાભાગના કામો અઢી મહિના સુધી ઠપ્પ થઈ જશે આથી અનેક નવા વિસ્તારોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
નવા વિસ્તારોની પાણીની સમસ્યા લંબાશે
મહાનગરપાલિકા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ ટેન્ડરનો આંકડો 152 પર પહોંચ્યો છે અને તમામ ટેન્ડર ભરાઈ ગયા બાદ પણ કામ ચાલુ થઈ શકવાના નથી જેમાં ખાસ કરીને નવા વિસ્તારોમાં નાખવામાં આવતી પાણીની લાઈનો તેમજ જૂની લાઈનની જગ્યાએ ડીઆઈ પાઈપલાઈન નાખવાની કામગીરીમાં અવરોધ આવશે પરિણામે જે વિસ્તારોમાં નળ કનેક્શન નથી તેવા વિસ્તારો અને જૂની લાઈનો છે અને ધીમા ફોર્સથી પાણી આવી રહ્યું છે તે તમામ વિસ્તારોમાં પાણીની સમસ્યા હવે અઢી માસ વધુ લંબાશે જેના કારણે ભર ઉનાળે આ વિસ્તારોમાં પાણીની બુમારણ ઉઠશે તેવું લાગી રહ્યું છે.