ચૂંટણી ઈફેક્ટ : રાજ્યના વધુ 71 મામલતદારોની અરસ પરસ બદલી
- રાજકોટ જિલ્લામાં ત્રણ મામલતદારની નિમણૂક : 7 નાયબ મામલતદારોને પ્રમોશન અપાયા
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં બદલીનો દૌર શરૂ કર્યો છે. જેમાં ગઈકાલે સાંજે 65 જેટલા ડીવાયએસપીઓની બદલી કર્યા બાદ 71 જેટલા મામલતદારોની પણ અરસપરસ બદલી કરતાં હુકમો કર્યા છે. જેમાં રાજકોટ જિલ્લામાં ચાર મામલતદારની નિમણૂંક કરતાં હુકમો કરવામાં આવ્યા છે.ગુજરાત રાજ્ય મહેસુલ વિભાગ દ્વારા ગઈકાલે સાંજે ચૂંટણીને ધ્યાને રાખીને વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો કર્યા છે જેમાં રાજ્યનાં 71 જેટલા મામલતદારોની અરસપરસ બદલી કરતાં હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ જિલ્લાની જેતપુર સિટી અને જેતપુર રૂરલ મામલતદારની ખાલી પડેલી જગ્યાઓ પણ ભરી દેવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં જેતપુર શહેર મામલતદાર તરીકે એમ.બી.પટોડીયા, જેતપુર રૂરલ મામલતદાર તરીકે સુરતથી આવતાં મનસુખલાલ એસ.ભેંસાણીયાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે જસદણ મામલતદાર તરીકે એન.સી.વ્યાસને મુકવામાં આવ્યા છે અને જસદણના મામલતદાર મિલન સી. રાજ્યગુરૂની અમરેલી બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ ડીઝાસ્ટર મામલતદાર તરીકે આર.જી.લુણાગરીયાની નિમણૂંક કરવામાં આવી છે.આ ઉપરાંત રાજ્યના 11 જેટલા નાયબ મામલતદારોને મામલતદાર તરીકેના પ્રમોશન આપી જુદા જુદા સ્થળે બદલી કરતાં હુકમો કરવામાં આવ્યા છે.
ગેસ કેડરના 14 અધિકારીઓને બઢતી અપાઈ
ગુજરાત સરકારે લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને વહીવટી તંત્રમાં શરૂ કરેલા ફેરફારોમાં રાજ્યના 14 જેટલા ગેસ કેડરના અધિકારીઓને તેમની સિનિયોરીટી પ્રમાણે સિનિયર ડેપ્યુટી કલેકટરને સિનિયર સ્કેલ પર પ્રમોશન આપી તેમના મુળ સ્થાને જ ફરજ પર ચાલુ રાખવામાં આવ્યા છે.