રાજકોટ ભાજપના ઉમેદવાર રૂપાલા સામે તપાસનો ચૂંટણી પંચનો આદેશ
- ક્ષત્રિય સમાજ વિષે વિવાદી ભાષણનું રેકોર્ડિંગ પણ મગાવાયું
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ રાજવી પરિવાર પર કરેલા વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. એવામાં રૂૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે ચૂંટણી પંચ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસના આદેશ આપ્યાં છે.ચૂંટણી પંચ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને ઈ-મેઈલ થકી સમગ્ર વિવાદિત વીડિયોને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે બાદ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને વીડિયો સંદર્ભે સંપૂર્ણ તપાસ કરીને વહેલામાં વહેલી તકે રિપોર્ટ સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે. આથી તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરે તેવી શક્યતા છે.
મળતી માહિતી મુજબ ભાજપના ઉમેદવાર દ્વારા જે વિવાદી ભાષણ કરવામાં આવ્યું હતું તેનું રેકોર્ડિંગ પણ મંગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આક્ષેપો મુજબ કોઈ પુરાવા હોય તો તે પણ હસ્તગત કરવા સુચના આપવામા આવેલ છે.
અગાઉ કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ રણજીત મુંઘવા અને નિલેશ ગોહિલ દ્વારા પણ પરષોત્તમ રુપાલા સામે ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.જેમાં જણાવાયું છે કે, પરષોત્તમ રૂૂપાલાએ હોલિકા દહન જેવા ધાર્મિક કાર્યક્રમને ચૂંટણી અખાડો બનાવી મંજૂરી વિના રાજકોટમાં ઠેર-ઠેર પોતાના બેનર અને કટઆઉટ લગાવી ચૂંટણી પ્રચાર કરી આચારસંહિતાનો ભંગ કર્યો છે. આથી રૂૂપાલા સામે પગલા લેવા જોઈએ.