ચોટીલાના પીપરાળીમાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું મોત
20 દિવસ પૂર્વે વાડીએ જતી વખતે મોટર સાયકલ સ્લીપ થતા સર્જાયેલ અકસ્માત
ચોટીલાના પીપરાળી ગામે રહેતા વૃદ્ધ 20 દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈ વાડીએ જતા હતા. ત્યારે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું સારવારમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના પીપરાળી ગામે રહેતા સવજીભાઈ નરશીભાઈ જારીયા નામના 60 વર્ષના વૃદ્ધ ગત તા.2 માર્ચના રોજ પોતાનું બાઈક લઈ વાડીએ જતા હતા. ત્યારે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધ ચાર ભાઈ બે બહેનમાં વચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.