અમૂલ સર્કલ પાસે એસટી બસના ચાલકે મોપેડને અડફેટે ચડાવતા વૃધ્ધને ઇજા
દૂધસાગર રોડ પર રહેતા વૃધ્ધ આજીડેમ ચોકડી પાસે મોગલમાના મંદિરે દર્શને જતા’તા
શહેરની ભાગોળે આજીડેમ બાયપાસ હાઇવે પર અમુલ સર્કલ પાસે એસટી બસના ચાલકે મોપેડ સવાર વૃધ્ધને અડફેટે લેતા વૃધ્ધને ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દુધસાગર રોડ પર રહેતા વૃધ્ધ આજીડેમ ચોકડી નજીક મોગલમાના મંદિર દર્શન કરવા જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ દુધસાગર રોડ પર શકિત સોસાયટી શેરી નં.2માં રહેતા વલ્લભભાઇ દશરથ ભાઇ દેસાણી (ઉ.વ.62)નામના વૃધ્ધ આજે સવારે પોતાનુ મોપેડ લઇ આજીડેમ ચોકડી નજીક આવેલા મોગલધામ મંદિરે દર્શન કરવા જતા હતા. ત્યારે 80 ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસે પહોંચતા રાજકોટ-ભાવનગર રૂટની એસટી બસના ચાલકે મોપેડને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વૃધ્ધને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. જેથી એસટી બસના ચાલક દ્વારા તાત્કાલીક 108ને ફોન કરી ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા: ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં વૃધ્ધ ચાર ભાઇ ત્રણ બહેનમાં વચેટ અને તેઓ દરજી કામ કરે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. તેઓ દર મંગળવારે મોગલમાના મંદિરે દર્શન કરવા જાય છે. જેથી આજે મંગળવાર હોવાથી દર્શન માટે જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.