ભગવતીપરામાં પ્રૌઢને હૃદય રોગનો હુમલો આવતાં મોત
રાજકોટમાં હાર્ટ એટેકનો સીલસીલો યથાવત હોય તેમ વધુ એકનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. ભગવતીપરામાં પ્રૌઢનું હદય રોગનો હુમલો આવતા મોત નિપજ્યું છે. જ્યારે જિલ્લા જેલમાં કેદીનું બિમારી સબબ મૃત્યુ નિપજ્યું હતું. જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરામાં જયપ્રકાશનગરમાં રહેતા ઘનશ્યામભાઈ રવજીભાઈ જાદવ (ઉ.વ.59)નામના પ્ર્રૌઢ આજે સવારે ઘરનજીક સંતોષભાઈની વાડીએ હતા ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢ બેભાઈ ત્રણ બહેનમાં વચેટ અને સંતાનમાં એક પુત્રઅને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજા બનાવમાં રાજકોટ જિલ્લા જેલમાં રહેલા કેદી છગનભાઈ લક્ષ્મણભાઈ મકવાણા (ઉ.વ.60) નામના પ્રૌઢને બિમારી સબબ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે પ્રનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.